હવે કોઈ ભાઈ-બહેન નહીં : ઉદ્ધવ ઠાકરે

24 October, 2018 04:07 AM IST  | 

હવે કોઈ ભાઈ-બહેન નહીં : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રનાં ગ્રામ વિકાસ ખાતાનાં પ્રધાન પંકજા મુંડે સામે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ન આપ્યો ત્યારે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ એવું કહ્યું હતું કે ‘મુંડે પરિવાર અને ઠાકરે પરિવારના સંબંધો બહુ જૂના છે અને પંકજા મારી બહેન જેવી છે એટલે તેની સામે કોઈ ઉમેદવાર આપવામાં આવશે નહીં.’

જોકે ગઈ કાલે બીડમાં કાર્યકર્તાઓની રૅલીને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ ‘હવેની વિધાનસભાની ચૂંટણીમાં પંકજા સામે ઉમેદવાર આપવામાં આવશે. બીડમાં (પરલી મતદારસંઘ) હવે ભગવો લહેરાવવાનો છે. ગોપીનાથરાવ (BJPના નેતા સ્વ. ગોપીનાથ મુંડે) માટે એક-એક મતદારસંઘ અમે છોડી દીધો હતો, પણ હવે મને બધી જ જગ્યાએ ભગવાનું રાજ્ય જોઈએ છે. શિવસૈનિકો ઘરે-ઘરે જાઓ. દાદા સાથે વાત કરો, તાઈ સાથે વાત કરો અને અહીં ભગવો આવવો જ જોઈએ.’

નોંધનીય છે કે વિધાનસભાની ગયા વખતે થયેલી ચૂંટણીમાં યુતિ તૂટી ગઈ હોવા છતાં ઉદ્ધવે પંકજા સામે પરલી મતદારસંઘમાંથી ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો અને કહ્યું હતું કે યુતિ તૂટી છતાં મૈત્રીસંબંધ અમે નિભાવ્યો છે, બહેન સામે ઉમેદવાર આપશું નહીં.