મહારાષ્ટ્રમાં સત્તાનું રિમોટ કન્ટ્રોલ ઉદ્ધવ ઠાકરેના હાથમાં છેઃ શિવસેના

28 October, 2019 12:06 PM IST  |  મુંબઈ

મહારાષ્ટ્રમાં સત્તાનું રિમોટ કન્ટ્રોલ ઉદ્ધવ ઠાકરેના હાથમાં છેઃ શિવસેના

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં શિવસેનાને ૨૦૧૪ની ચૂંટણીની સરખામણીમાં ઓછી બેઠકો મળી હોય તો પણ હાલમાં સત્તાનું ‘રિમોટ કન્ટ્રોલ’ ઉદ્ધવ ઠાકરેના હાથમાં છે. ચૂંટણીનાં પરિણામો પછી શિવસેના બીજેપીની પાછળ ઢસડાતી જશે એવું સ્વપ્ન રગદોળાઈ ગયું છે એવું શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું.
મરાઠી દૈનિક ‘સામના’ના કાર્યકારી તંત્રી અને સંસદસભ્ય સંજય રાઉતે સાપ્તાહિક કટાર ‘રોખઠોક’માં રાજ્યમાં સત્તાનાં સમીકરણોની ચર્ચા કરતાં બીજેપી સમક્ષ શિવસેનાની માગણીઓનો પુનરુચ્ચાર કર્યો હતો. સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘વાઘના હાથમાં કમળ દર્શાવતું કાર્ટૂન હાલની સ્થિતિ વિશે ઘણું કહી જાય છે. કોઈને નબળા નહીં સમજવાનો સંદેશ એ કાર્ટૂનમાં આપવામાં આવ્યો છે.’
૧૯૯૫થી ૧૯૯૯ સુધી બીજેપી અને શિવસેનાની ગઠબંધન સરકારનું રિમોટ કન્ટ્રોલ પોતાના હાથમાં હોવાનો ઉલ્લેખ શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરે કરતા હતા. સૂત્રસંચાલન માટે બાળ ઠાકરેનો ‘રિમોટ કન્ટ્રોલ’ શબ્દપ્રયોગ જાણીતો બન્યો હતો. ૨૦૧૪માં બીજેપીને ૧૨૨ અને શિવસેનાને ૬૩ બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં બીજેપીને ૧૦૫ અને શિવસેનાને ૫૬ બેઠકો મળી છે. શિવસેનાની માગણીઓમાં સત્તાની સમાન વહેંચણીની બીજેપી તરફથી લેખિત બાંયધરીનો સમાવેશ થાય છે.
સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘વિધાનસભાની આ ચૂંટણીમાં ૧૬૪ બેઠકો પર ચૂંટણી લડીને ૧૪૪ બેઠકો જીતવાનો વ્યૂહ મતદારોએ નકાર્યો છે. કૉન્ગ્રેસ અને એનસીપીના નેતાઓને લલચાવીને કે ધમકી આપીને બીજેપીમાં જોડવાથી બેઠક-સંખ્યા વધારવાના અનૈતિક વિચારોની હાર થઈ હોવાનું ચૂંટણીનાં પરિણામોમાં જોવા મળ્યું છે. એનસીપી છોડીને બીજેપીમાં જોડાયેલા નેતા ઉદયનરાજે ભોસલેની લોકસભાની સાતારાની બેઠકની પેટાચૂંટણીમાં પરાજય એ ‘અમે ધારીએ તેમ કરીને ચૂંટણી જીતી શકીએ’ એવું સમજતા લોકોને સંદેશ છે. ઉદયનરાજે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી એનસીપીની ટિકિટ પર જીત્યા પછી રાજીનામું આપતાં સાતારાની બેઠક પર પેટાચૂંટણીની જરૂર ઊભી થઈ હતી, પરંતુ પેટાચૂંટણીમાં લડતાં એનસીપીના શ્રીનિવાસ પાટીલે તેમને હરાવ્યા છે. ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો સંદેશ એવો છે કે જે લોકો હવામાં ઊડે છે એ બધાનો અંત ઉદયનરાજે જેવો થશે. લોકોને ‘પવાર પૅટર્નનો અંત’ જેવી ટિપ્પણીઓ પસંદ ન પડી. એ નારાજગી મતદાનમાં વ્યક્ત કરવામાં આવી. એ નારાજગી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી હતી. ગ્રામીણ મતક્ષેત્રોમાં વિરોધ પક્ષોનો પર્ફોર્મન્સ સારો રહ્યો છે. ૨૦૧૪માં બીજેપીનું એકલે હાથે સરકાર રચવાનું સ્વપ્ન શિવસેનાએ રોળ્યું અને ૨૦૧૯ની ચૂંટણીમાં એ કામ શરદ પવારે કર્યું છે.’

maharashtra uddhav thackeray