હિન્દુત્વ તથા મરાઠી માણૂસ માટેની લડાઈ ચાલુ જ રહેશે : ઉદ્ધવ ઠાકરે

03 December, 2012 06:19 AM IST  | 

હિન્દુત્વ તથા મરાઠી માણૂસ માટેની લડાઈ ચાલુ જ રહેશે : ઉદ્ધવ ઠાકરે



માતોશ્રીમાં યોજાયેલી આ બેઠકમાં શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉપરાંત મનોહર જોષી, સુધીર જોષી, લીલાધર ડાકે, રામદાસ કદમ, સંજય રાઉત તથા ગજાનન કીર્તિકર જેવા મહત્વના નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યમાં શિવશાહી સરકારની સ્થાપના કરવા માટેના બાળ ઠાકરેના સ્વપ્નને પૂરું કરવા માટે જોશથી કાર્ય કરવાની ખાતરી પણ ઉદ્ધવ ઠાકરેને હાજર રહેલા નેતાઓએ આપી હતી.

બાળ ઠાકરેના નિધન બાદ ‘સામના’માં આપેલા પોતાના પહેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે બીજો કોઈ શિવસેના પ્રમુખ નહીં હોય. તેમણે કહ્યું કે તેમના પિતા બાળ ઠાકરેએ શરૂ કરેલી હિન્દુત્વ તથા મરાઠી માણૂસ માટેની લડાઈ યથાવત્ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે પિતાને તેમણે વચન આપ્યું છે કે મહારાષ્ટ્રના લોકોની સુખાકારી માટે શિવસેના રાજ્યમાં સરકારની રચના કરશે. ‘સામના’ના એક્ઝિક્યુટિવ એડિટર તથા રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે આ ઇન્ટરવ્યુ લીધો હતો.

બાળ ઠાકરે હેલ્થ યુનિવર્સિટી

શિવસેનાના દિવંગત પ્રમુખ બાળ ઠાકરેના નામ પરથી એક નવી યુનિવર્સિટી શરૂ કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાના શાસકપક્ષ શિવસેના-બીજેપી દ્વારા લેવામાં આવ્યો છે. હાલ સુધરાઈ પાસે સાઉથ મુંબઈમાં લોકમાન્ય ટિળક (સાયન) હૉસ્પિટલ, કેઈએમ, નાયર હૉસ્પિટલ તથા નાયર ડેન્ટલ હૉસ્પિટલ છે. ઈસ્ટર્ન તથા વેસ્ટર્ન સબબ્ર્સમાં બે નવી મેડિકલ કૉલેજ શરૂ કરવાની યોજના છે એની સાથે મોટી હૉસ્પિટલ પણ હશે. સુધરાઈમાં સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન રાહુલ શેવાળેએ કહ્યું કે આ પ્રસ્તાવને સુધરાઈ પ્રશાસને પણ મંજૂરી આપી દીધી છે. સાયનમાં પાંચ લાખ સ્ક્વેરફૂટ વિસ્તારમાં યુનિવર્સિટીનું બિલ્ડિંગ બનાવવામાં આવશે.


કેઈએમ = કિંગ એડવર્ડ મેમોરિયલ હૉસ્પિટલ