સ્વતંત્ર‌તા દિવસે તેજસ ઠાકરે યુવા સેનાનો અધ્યક્ષ બનશે?

06 August, 2022 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુવાસેના શિવસેનાની યંગ બ્રિગેડ છે, જેમાં રાજ ઠાકરે અને આદિત્ય ઠાકરે જેવા નેતાઓ તૈયાર થયા છે

તેજસ ઠાકરે

શિવસેનામાં મોટા પાયે ભંગાણ થયા બાદ શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હવે તેમના પુત્રો આદિત્ય અને તેજસને પક્ષની બાગડોર સોંપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. આદિત્ય ઠાકરે અત્યારે રાજ્યભરની મુલાકાત કરી રહ્યા છે ત્યારે નાના પુત્ર તેજસને પણ જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. સ્વતંત્રતા દિવસે તેજસ ઠાકરેને યુવા સેનાધ્યક્ષ તો આદિત્ય ઠાકરેને પક્ષના કાર્યાધ્યક્ષ તરીકે જાહેર કરવાની તૈયારીઓ આરંભી દેવાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

યુવાસેના શિવસેનાની યંગ બ્રિગેડ છે, જેમાં રાજ ઠાકરે અને આદિત્ય ઠાકરે જેવા નેતાઓ તૈયાર થયા છે. આથી તેજસ ઠાકરે પણ રાજકારણમાં સક્રિય થઈને પોતાનો પગ જમાવી શકે એ માટે તેને યુવા સેનાધ્યક્ષ બનાવવાની માગણી પક્ષમાં થઈ રહી છે. ઉપરાંત આદિત્ય ઠાકરેના હાથ મજબૂત કરવા માટે તેને શિવસેનાના નેતાપદ બાદ હવે કાર્યાધ્યક્ષ બનાવવાની વાતો થઈ રહી છે.

શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત ઈડીની કસ્ટડીમાં હોવાથી તેમ જ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ શિવસેનાના મુખપત્ર ‘સામના’નું તંત્રીપદ શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સંભાળશે. તેઓ મુખ્ય પ્રધાન બન્યા બાદ તેમનાં પત્ની રશ્મિ ઠાકરેને તંત્રી બનાવવામાં આવ્યાં હતાં. સંજય રાઉત જેલમાં ગયા હોવા છતાં તેમને કાર્યકારી તંત્રી તરીકે કાયમ રાખવામાં આવ્યા છે.

mumbai mumbai news shiv sena yuva sena