06 March, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાસ્કર જાધવ
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના પદ માટે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ દાવો કરીને પક્ષના વરિષ્ઠ વિધાનસભ્ય ભાસ્કર જાધવને નામાંકિત કર્યા હતા. આ માટે ઉદ્ધવસેનાએ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને પત્ર સુપરત કર્યો હતો. વિધાનસભ્ય ભાસ્કર જાધવે કહ્યું હતું કે ‘અમે વિરોધ પક્ષના નેતા તરીકેનો દાવો કરતો પત્ર સ્પીકરને સોંપ્યો છે. અમને આશા છે કે લોકતાંત્રિક મૂલ્યોને આધારે આ બાબતે નિર્ણય લેવામાં આવશે. અત્યારે ચાલી રહેલા બજેટ સત્રમાં જ આ નિર્ણય લેવાવો જોઈએ.’
ઉલ્લેખનીય છે કે ભાસ્કર જાધવ ઉદ્ધવસેનાના ગુહાગરના વરિષ્ઠ વિધાનસભ્ય છે. ૧૯૯૦ના દાયકામાં ભાસ્કર જાધવ શિવસેનામાં હતા. બાદમાં તેઓ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીમાં ગયા હતા અને ૨૦૧૯માં શિવસેનામાં પાછા ફર્યા હતા. વિરોધ પક્ષના નેતા તરીકે આદિત્ય ઠાકરેના નામની ચર્ચા હતી, પરંતુ ગઈ કાલે ઉદ્ધવસેનાના વિધાનસભ્યોની બેઠકમાં સર્વાનુમતે ભાસ્કર જાધવના નામનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શરદ પવારની પાર્ટીએ વિરોધ પક્ષના નેતાનું પદ મહા વિકાસ આઘાડીની ત્રણેય પાર્ટીને થોડા-થોડા સમય માટે આપવાનું કહ્યું છે, પણ ઉદ્ધવ ઠાકરેએ તેમની આ વાત ઠુકરાવી દીધી હતી.
જોકે વિરોધ પક્ષની એક પણ પાર્ટીને કુલ બેઠકની દસ ટકા બેઠક મળી ન હોવાથી સંખ્યાબળના આધારે વિરોધ પક્ષના નેતાનું પદ ઉદ્ધવસેનાના નેતાને સ્પીકર રાહુલ નાર્વેકર આપે છે કે નહીં એના પર બધાની નજર છે. જોકે જાણકારોનું કહેવું છે કે સ્પીકર ઉદ્ધવસેનાને વિરોધ પક્ષના નેતાનું પદ આપે એની ભારોભાર શક્યતા છે. વિધાનસભાની ૨૮૮ બેઠકમાંથી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ને ૨૦, કૉન્ગ્રેસને ૧૬ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ને ૧૦ બેઠક મળી છે.