26 July, 2023 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)નો એક ઈન્ટરવ્યુ તેમના જન્મદિવસ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. સંજય રાઉતે આ ઈન્ટરવ્યુ લીધો છે. આ મુલાકાતના પહેલા ભાગમાં ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર સહિત દેશની રાજકીય સ્થિતિ પર ટિપ્પણી કરી હતી. આગામી લોકસભાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં દેશના તમામ પક્ષો અને ગઠબંધનોએ મોરચો શરૂ કરી દીધો છે. વિપક્ષથી લઈને સત્તાધારી પક્ષો તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એનડીએ સામે વિરોધ પક્ષોએ મહિનાઓથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગયા મહિને 23 જૂને બિહારના પટનામાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશના 16 પક્ષો એકત્ર થયા હતા. ત્યારબાદ આ મહિને 17 અને 18 જુલાઈના રોજ કર્ણાટકના બેંગલુરુમાં વિરોધ પક્ષોની બીજી બેઠક યોજાઈ હતી. આ સમયે દેશના 26 વિરોધ પક્ષો એકઠા થયા હતા. મહારાષ્ટ્રમાંથી શિવસેનાના ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને NCPના શરદ પવાર જૂથના વડા શરદ પવાર બેઠકમાં સામેલ થયા હતા.
શિવસેના (યુબીટી)ના મુખપત્ર `સામના`ના એક્ઝિક્યુટિવ એડિટર અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉત (Sanjay Raut)ને આપેલા ઈન્ટરવ્યુમાં ઠાકરેએ મણિપુરમાં ચાલી રહેલા ઝઘડાને લઈને પણ કેન્દ્રની ટીકા કરી હતી. ઠાકરેએ મણિપુર ઝગડાને લઈને ટીકા કરતાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરની મુલાકાત લેવા પણ તૈયાર નથી.
ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) પર નિશાન સાધતા શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, આવકવેરા વિભાગ અને સીબીઆઈ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)માં માત્ર ત્રણ મજબૂત પક્ષો છે.
તાજેતરમાં જ ભાજપની આગેવાની હેઠળ જે એનડીએની બેઠક થઈ હતી તે બાબતે ઠાકરેએ આકરી ટીકા કરતાં કહ્યું હતું કે, “જ્યારે ચૂંટણી નજીક આવે છે માત્ર ત્યારે જ ભાજપ માટે તેની સરકાર એનડીએ સરકાર બની જાય છે. ચૂંટણી પૂરી થયા પછી તે મોદી-સરકાર બની જશે.”
NDAના 38 પક્ષોના નેતાઓ ગયા અઠવાડિયે દિલ્હીમાં મળ્યા હતા. તે જ દિવસે શિવસેના (યુબિટી) સહિત 26 વિપક્ષી પક્ષો બેંગલુરુમાં મળ્યા હતા. તેમના ગઠબંધનને ભારતીય રાષ્ટ્રીય વિકાસ સમાવિષ્ટ ગઠબંધન (ભારત) નામ આપવાનો પ્રસ્તાવ સર્વસંમતિથી અપનાવવામાં આવ્યો હતો. વિરોધ પક્ષો સત્તાધારી ભાજપ પર વિરોધીઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
‘સામના’માં પ્રકાશિત થયેલા ઇન્ટરવ્યુમાં ઠાકરેએ કહ્યું હતું કે,"એનડીએમાં 36 પક્ષો છે. એનડીએમાં ઇડી, સીબીઆઈ અને આવકવેરા માત્ર ત્રણ મજબૂત પક્ષો છે. અન્ય પક્ષો ક્યાં છે? કેટલાક પક્ષો પાસે એક પણ સાંસદ નથી," અસલી શિવસેના એનડીએમાં નથી. બધા દેશદ્રોહી ત્યાં ગયા છે. એનડીએમાં હવે ઈડી, ઈન્કમટેક્સ અને સીબીઆઈ એ ત્રણ જ પક્ષો બચ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ એનડીએ વિશે ટીકા કરતાં કહ્યું હતું કે, “ગયા અઠવાડિયે ઘણા વર્ષો પછી જોવા મળ્યું કે આ દેશમાં `NDA` નામની અમીબા હજી જીવિત છે.”