બાળ ઠાકરેનાં અસ્થિ લેવા ઉદ્ધવ શિવાજી પાર્કમાં, રાજ ગેરહાજર

20 November, 2012 03:21 AM IST  | 

બાળ ઠાકરેનાં અસ્થિ લેવા ઉદ્ધવ શિવાજી પાર્કમાં, રાજ ગેરહાજર



રવિકિરણ દેશમુખ


મુંબઈ, તા. ૨૦

રાજ અને ઉદ્ધવ ઠાકરે ભલે પિતરાઈ ભાઈ હોય છતાં રાજકીય રીતે તેઓ હરીફો જ છે. ઉદ્ધવ તથા રાજના સમર્થકોએ હવે આ સત્યને પચાવવું જ રહ્યું. શિવસેના તથા એમએનએસ એક થઈ જશે એવી અફવા માત્ર અફવા જ રહેશે. રવિવારે બાળ ઠાકરેની અંતિમયાત્રા વખતે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે ટ્રક પર કેમ નહોતા એ વિશે ભારે ચર્ચા થઈ હતી. ગઈ કાલે સવારે જે ઘટનાઓ બની એ જોતાં આ બન્ને વચ્ચેની હરીફાઈ વધુ ઉગ્ર બનશે એવું લાગી રહ્યું છે.

રાજ ઠાકરેના નિવાસસ્થાન કૃષ્ણકુંજમાં ગઈ કાલે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા. તેઓ સવારે છ વાગ્યે માતોશ્રી પહોંચવાના હતા. મોટા ભાગના લોકોએ અંતિમક્રિયામાં સામેલ થવાનું હતું, પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે એક હજાર કરતાં વધુ એમએનએસના કાર્યકરો આ વિધિમાં ભાગ ન લઈ શક્યા. રવિવારે રાજ ઠાકરે બાળ ઠાકરેની અંતિમયાત્રા અધવચ્ચેથી છોડીને ઘરે આવી ગયા હતા તેમ જ થોડા સમય બાદ ફરી શિવાજી પાર્કમાં દેખાયા હતા. ગઈ કાલે ઉદ્ધવ પોતાના પિતાનાં અસ્થિ લેવા અંતિમ સંસ્કાર જ્યાં કરવામાં આવ્યા હતા એ સ્થળે પહોંચ્યા ત્યારે પણ રાજ ઠાકરે ત્યાં નહોતા દેખાયા. એમએનએસના એક નેતાએ કહ્યું હતું કે ‘એમએનએસ તથા શિવસેના એક થાય એવી કોઈ આશા નથી રાખી રહ્યું. એમએનએસ પોતાનો મરાઠી માણૂસનો મુદ્દો વધુ જોરશોરથી ઉઠાવશે અને એને કારણે એના સમર્થકોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે.’

બીજી તરફ શિવસેનાના એક પ્રતિનિધિએ કહ્યું હતું કે ‘શિવસેના પોતાના હિન્દુત્વના એજન્ડા પર કાયમ રહેશે. શિવસેના સાથે રાજ ઠાકરે જોડાય એ માટે અમે ઉત્સાહી નથી. હા, તેને અમે શુભેચ્છા આપીએ છીએ.’