05 October, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ રવિવારે મુંબઈમાં ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ-મોરચાનું નેતૃત્વ કર્યું હતું.
કૉન્ગ્રેસ અને શરદ પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી NCP (SP)ના રાજ્ય કક્ષાના નેતાઓએ પણ આ મોરચામાં ભાગ લીધો હતો. આ મોરચો મેટ્રો સિનેમાથી શરૂ થઈને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હેડ ક્વૉર્ટર સુધી ગયો હતો.
‘વિરાટ ગર્જના મોરચા’ તરીકે ઓળખાતા આ કાર્યક્રમના સહભાગીઓએ મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને ચીફ ઇલેક્શન કમિશનરને પદ પરથી હટાવવાની અથવા તેમના રાજીનામાની માગણી કરી હતી.
આ મોરચામાં પક્ષના ઝંડા લઈ જવાની મંજૂરી નહોતી. સહભાગીઓ અને સમર્થકોને માત્ર રાષ્ટ્રીય ત્રિરંગો સાથે રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
જો દેશમાં કોઈ તાનાશાહ બનવા માગતું હશે તો તેને અમે અહીં જ દાટી દઈશું
શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગર્જના મોરચાની જનમેદનીને સંબોધતાં હુંકાર કર્યો હતો કે ‘આ લડાઈ કોઈ એક પક્ષની, વ્યક્તિની, જાતિની કે ધર્મની નથી. આ આપણી સ્વતંત્રતાની લડાઈ છે. પહેલી વાર નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’નો નારો ત્યાં સુધી ઠીક છે, પણ જો આ રીતે ઇન્ડિયામાં તાનાશાહ બનશે તો તેમને આ જ દેશમાં દાટી દેવા અમે ઊભા છીએ.’
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ જ્યાં સુધી સત્તામાં હતી આપણે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે રહ્યા. એ પછી તેમણે કૉન્ગ્રેસ જેટલો કોઈ જ ભ્રષ્ટાચારી નથી એવું વાતાવરણ તૈયાર કર્યું, પણ હવે તો આખું ઇન્ડિયા અગેઇન્સ્ટ વોટ ચોર ઊભું થયું છે. ચીફ ઇલેક્શન કમિશનર સરકારનું હથિયાર છે. તમે ૧૩ કરોડ મતદારોને રદ કરી રહ્યા છો. બંગાળમાં અત્યાર સુધીમાં કટ થયેલા મતદારોની ફરી સ્ક્રુટિની કરાઈ તો એમાં કેટલાક મતદારોને પાત્ર ગણવામાં આવ્યા અને એ બાબતની સુનાવણી ત્યાં ચાલુ છે. એની પૂરી તપાસ કરીને નિર્ણય પર આવવા માટે ૧૪૬ મહિના લાગવાના છે. આ અહીં જ અટકતું નથી. BJPને સરકાર ચલાવતાં આવડતું નથી. પ્રશાસન અને BJP એ બન્ને વિરોધાર્થી શબ્દો છે. તમે જે રીતે સરકાર ચલાવો છો એને સરકાર ચલાવવી નહીં પણ વેર લીધું એમ કહેવાય.’
તમને રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ થઈ જશે
ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ‘હાલમાં જ થાણેમાં અમારા નેતા પ્રદીપ પુર્ણેકરની હત્યા થઈ. ત્યાંની પોલીસ શું જખ મારી રહી હતી? ગૃહપ્રધાન ક્યાં છે? દેશભરમાં મહિલાઓ પરના અત્યાચારની વાતો સાંભળવા મળે છે. ક્યાં છે તમારી હિન્દુત્વવાદી સરકાર? આ જ તમારું હિન્દુત્વ? જ્ઞાનેશ કુમાર તેમનું હથિયાર છે. મતદાનનો અધિકાર આ લોકો કાઢી લઈ રહ્યા છે. એ સંસ્થાઓ તમે તમારા તાબામાં લીધી હશે, પ્રશાસન પણ તબામાં લીધું હશે; પણ આ રસ્તાઓ જનતાની માલિકીના છે. આ રસ્તા પર તમને આવતી કાલે ચાલવાનું પણ મુશ્કેલ થઈ જશે.’
તમામ ચૂંટણીઓ માટે ફરીથી પેપર બૅલટ પદ્ધતિ લાગુ થાય એ જ અમાારી માગણી છે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ રવિવારે મુંબઈમાં યોજાયેલી ગર્જના મોરચા રૅલી દરમ્યાન ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI)ને ઉદ્દેશીને બે મુખ્ય માગણીઓ રજૂ કરી હતી. એમાં મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયાને તાત્કાલિક રદ કરવાનો અને ભવિષ્યની તમામ ચૂંટણીઓ માટે ફરીથી પેપર બૅલટ પદ્ધતિ દાખલ કરવાનો સમાવેશ થતો હતો.
અન્ય રાજકીય નેતાઓ સાથે વિશાળ જનમેદનીને સંબોધતાં રાજ ઠાકરેએ હાલમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાની કાયદેસરતા પર સીધો પ્રહાર કર્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહસચિવ આર. કે. સિંહના અગાઉના કાનૂની અભિપ્રાયોનો હવાલો આપતાં MNSના પ્રમુખે કહ્યું હતું કે કોઈ ચોક્કસ કાયદાકીય સમર્થન વિના દેશવ્યાપી SIR ઝુંબેશ ચલાવવી સંપૂર્ણપણે ગેરકાયદે છે.
રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘SIR કુદરતી આપત્તિઓ, પૂર, ભૂકંપ અથવા વસ્તીનું મોટા પાયે સ્થળાંતર થયું હોય એવા અસાધારણ સંજોગોમાં જ હાથ ધરી શકાય છે અને એ પણ માત્ર ચોક્કસ મતવિસ્તારો માટે અને લેખિત કારણો સાથે. સમગ્ર દેશમાં એકસાથે SIR અમલમાં મૂકવી ગેરકાયદે છે અને કાયદામાં એની કોઈ જોગવાઈ નથી. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી જે SIR પ્રક્રિયા થઈ છે એ સંપૂર્ણપણે રદ થવી જોઈએ. આ પછીની તમામ ચૂંટણીઓમાં EVM મશીનને બદલે બૅલટ પેપર પર મતદાન થવું જોઈએ. એના માટે આજનો આ મોરચો છે.’
ચૂંટણીના જનાદેશ પર પ્રશ્નો
રાજ ઠાકરેએ આક્ષેપ કર્યો હતો કે ‘વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મતદારયાદીઓમાં કૃત્રિમ રીતે વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે હાલની SIR ઝુંબેશને કારણે દેશભરમાંથી બે કરોડ મતદારોનાં નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. યાદીમાંથી દૂર કરવામાં આવી રહેલા આ બે કરોડ નાગરિકો કોણ છે? કયા આધારે તેમને મતાધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે?’ જનાદેશ પર સવાલ ઉઠાવતાં રાજ ઠાકરેએ ટિપ્પણી કરી હતી કે ‘આ કેવા પ્રકારની જીત છે? લોકસભાની ચૂંટણી બાદના માત્ર ૬ મહિનાના ટૂંકા ગાળામાં મહારાષ્ટ્રમાં ૪૦થી ૬૦ લાખ મતદારોનો ઉમેરો કેવી રીતે થયો?’
વગર પરવાનગીએ મોરચો કાઢ્યો, આઝાદ મેદાન પોલીસે ગુનો નોંધ્યો
ઠાકરે બંધુઓની આગેવાનીમાં ગઈ કાલે મેટ્રો સિનેમાથી BMC હેડક્વૉર્ટર સુધી ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી સાથે મોરચો કાઢવામાં આવ્યો હતો. હવે આઝાદ મેદાન પોલીસે મોરચાના આયોજકો સામે વગર પરવાનગીએ મોરચો કાઢવા બદલ પોલીસ-કેસ નોંધ્યો છે.
ગેરકાયદે ઘૂસણખોરો ભારતના વડા પ્રધાન કોણ બનશે એ નક્કી કરશે? : રવીન્દ્ર ચવાણ
મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી
(BJP)ના અધ્યક્ષ રવીન્દ્ર ચવાણે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો વિરોધ કરી રહેલા રાજ ઠાકરે તથા ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે શું હવે ગેરકાયદે ઘૂસણખોરો ભારતના વડા પ્રધાન કોણ બનશે એ નક્કી કરશે?
ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા લોકો મતદાન કરે છે એ લોકોની મતદારયાદીમાંથી બાદબાકી તથા જે લોકોનાં મૃત્યુ થયેલાં છે તેમના નામે મત આપનારાઓનાં નામ મતદારયાદીમાંથી કાઢી નાખવાની પ્રક્રિયાનો વિરોધ કરવા બદલ રવીન્દ્ર ચવાણે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આ નિવેદન આપ્યું હતું. લોકશાહીની અખંડતા તથા એના સંરક્ષણ માટે કરવામાં આવેલી આ કાર્યવાહીનો વિરોધ કરવાનું શું યોગ્ય છે, એવો પ્રશ્ન તેમણે પૂછ્યો હતો.
ઠાકરે બંધુઓની વિરોધ-રૅલીને આશિષ શેલારે વર્લ્ડ ઍનિમલ ડે પર શિયાળોનો મોરચો ગણાવ્યો: ઉદ્ધવજી અને રાજ ઠાકરેએ પહેલાં પોતાની જાતને અરીસામાં જોવાની જરૂર છે
ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રવિવારે શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા યોજાયેલી સંયુક્ત વિરોધ-રૅલી પર મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા આશિષ શેલારે આકરા પ્રહારો કર્યા છે. આશિષ શેલારે ‘વર્લ્ડ ઍનિમલ ડે’નો ઉલ્લેખ કરતાં આ વિરોધ-રૅલીને ‘શિયાળોનો મોરચો’ ગણાવી મજાક ઉડાવી હતી.
આશિષ શેલારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે, MNS પ્રમુખ રાજ ઠાકરે તેમ જ અન્ય વિપક્ષી પક્ષો પર નિશાન સાધતાં આરોપ મૂક્યો હતો કે ચૂંટણી જીતવાની ક્ષમતા ન હોવાના કારણે તેઓ હવે ઇલેક્શન કમિશન (EC) અને ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) પર સવાલો ઉઠાવી રહ્યા છે.
આશિષ શેલારે જણાવ્યું હતું કે ‘આજે વર્લ્ડ ઍનિમલ ડે’ છે. આ વિરોધ-રૅલી અને એનું નામ જોતાં મને લાગે છે કે આ કોઈ ‘ગર્જના મોરચો’ નથી, પરંતુ ‘કોલ્હેકુઈ મોરચો’ એટલે કે શિયાળોનો કલ્લોલ છે. શિયાળ માટે દ્રાક્ષ ખાટી હોય એવો આ ઘાટ છે. તેઓ ચૂંટણી જીતી શકતા નથી એટલે ચૂંટણીપંચ પર દોષનો ટોપલો ઢોળે છે. આ માત્ર ધૂર્ત અને મતલબી લોકોનો જમાવડો છે.’
ચૂંટણીપંચની નિર્ણય પ્રક્રિયા પર સવાલ ઉઠાવવા બદલ ઠાકરે બંધુઓ પર આકરા પ્રહારો કરતાં તેમણે ઉમેર્યું હતું કે ‘પંચ પર પ્રહાર કરતાં પહેલાં બન્ને ભાઈઓએ પોતાના રાજકીય સંબંધો તરફ નજર નાખવી જોઈએ. જો તમારે એ જોવું હોય કે મતભેદો પછી સર્વસંમતિ કેવી રીતે બને છે તો ચૂંટણીપંચ તરફ શું કામ જુઓ છો? ઉદ્ધવજી અને રાજ ઠાકરેએ પહેલાં પોતાની જાતને અરીસામાં જોવાની જરૂર છે.’
હવે અભિજિત દીપકેની સવારી પુણે જશે, MPSC પેપર-લીકના આંદોલનકારીઓને મળશે
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના અધ્યક્ષ અભિજિત દીપકેએ હવે તે પુણે જઈને મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) પેપર-લીકના મુદ્દે આંદોલન કરી રહેલા આંદોલનકારીઓને મળશે એવી જાહેરાત કરી છે તથા સરકારને યુવાનોનો અવાજ સાંભળે એવી અપીલ કરી છે. અભિજિત દીપકેએ કહ્યું હતું કે જો આજે સરકાર યુવાનોની વાત નહીં સાંભળે તો યુવાનો પોતાના મતથી સરકારને જવાબ આપશે. અભિજિત દીપકેએ કહ્યું હતું કે આશરે ૨૦ લાખ લોકો MPSC માટે તૈયારી કરી રહ્યા છે. તે ફક્ત ઉમેદવારો જ નથી, મતદારો પણ છે. અભિજિત દીપકેએ પણ MPSCના ઉમેદવારોની જેમ જ MPSCના ચૅરમૅન વિવેક ભીમનવારના રાજીનામાની માગણી કરી હતી.