૧.૧૦ કરોડના નશીલા પદાર્થ સાથે બેની ધરપકડ કરાઈ

17 July, 2020 05:04 PM IST  |  Mumbai Desk | Agencies

૧.૧૦ કરોડના નશીલા પદાર્થ સાથે બેની ધરપકડ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર પોલીસની ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડે (એટીએસ) બુધવારે સાંજે નશીલા પદાર્થની હેરાફેરી કરવાના આરોપસર બે આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી ૧.૧૦ કરોડની કિંમતનું ૨.૭૫ કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું. પોલીસને જોઈને ત્રીજો આરોપી ભાગી ગયો હતો.
એટીએસના જુહુ યુનિટને માહિતી મળી હતી કે અંધેરીના સાકીનાકા વિસ્તારમાં કેટલાક લોકો નશીલા પદાર્થ વેચવા માટે આવવાના છે. પોલીસની ટીમે ઇન્ચાર્જ દયા નાયકના માર્ગદર્શનમાં માહિતીને આધારે છટકું ગોઠવીને સાકીનાકામાં રહેતા ૩૦ વર્ષના દિલશાદ અબ્દુલ કલામ ખાન અને ૨૪ વર્ષના ઇમરાન કમાલુદ્દીન શેખ નામના યુવાનોને શંકાને આધારે અટકમાં લીધા હતા, જ્યારે પોલીસને જોઈને કાલીકીજામા ખાન નામનો આરોપી પલાયન થઈ ગયો હતો. આરોપીની તપાસમાં તેમની પાસેથી ૧.૧૦ કરોડ રૂપિયાની કિંમતનું ૨.૭૫ કિલો નશીલું ડ્રગ મેફેડ્રોન મળી આવ્યું હતું.
આરોપીઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ ઍક્ટ (એનડીપીએસ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીઓ નશીલા પદાર્થ મેફેડ્રોનની મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. તેમની પાસેથી મળેલી માહિતીને આધારે પોલીસે નશીલા પદાર્થના ગોરખધંધામાં સંકળાયેલા લોકોને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઑપરેશન ઍડિશનલ ડીજી દેવેન ભારતી, સ્પેશ્યલ આઇજીપી જયંત નાઇકવારે, ડીસીપી વિક્રમ દેશમાને, ડૉ. વિનયકુમાર રાઠોડના માર્ગદર્શનમાં એસીપી શ્રીપદ કાળે, ઇન્સ્પેક્ટર દયા નાયક સહિત એટીએસના જુહુ યુનિટની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

mumbai news mumbai Crime News