કાનપુરના ગૅન્ગસ્ટર વિકાસ દુબેના બે વૉન્ટેડ સાથી થાણામાંથી પકડાયા

12 July, 2020 12:03 PM IST  |  Mumbai Desk

કાનપુરના ગૅન્ગસ્ટર વિકાસ દુબેના બે વૉન્ટેડ સાથી થાણામાંથી પકડાયા

ગુડ્ડન ત્રિવેદી

૬૦થી વધુ ગુનાઓ જેની ઉપર નોંધાયેલા હતા એ ઉત્તર પ્રદેશના કાનપુરના ગૅન્ગસ્ટર વિકાસ દુબેના બે વૉન્ટેન્ડ સાથીની મહારાષ્ટ્ર ઍન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ)ની મુંબઈની ટીમે ગઈ કોલે રાત્રે થાણાના કોલસેત વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ૩ અને ૪ જૂલાઈએ રેઈડ પાડવા ગયેલી પોલીસની ટુકડીના આઠ પોલીસની હત્યા કરાઈ હતી એમાં આ પકડાયેલા ગુનેગારો સામેલ હોવાનું જણાયું હતું.
મહારાષ્ટ્ર એટીએસની મુંબઈ યુનિટના સિનિયર ઈન્સ્પેક્ટર દયા નાઈકની ટીમને બાતમી મળી હતી કે કાનપુરના તાજેતરમાં ઍન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગૅન્ગસ્ટર વિકાસ દુબેના બે સાથીઓ થાણેમાં છુપાયેલા છે. આ બંને સામે ૩ અને ૪ જુલાઈએ કાનપુર પોલીસના મારી નાખવામાં આવેલા ૮ પોલીસની હત્યા કરવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસની સામૂહિક હત્યા બાદ વિકાસ દુબેની ટોળકી સામે કેસ નોંધાયા બાદ થાણેમાં છુપાયેલા આ સાથીઓ ભાગી આવ્યા હતા.
એટીએસની મુંબઈ યુનિટને ગઈ કાલે બાતમી મળી હતી કે વિકાસ દૂબેનો એક વૉન્ટેડ આરોપી થાણેના કોલસેતમાં છૂપાયો છે. બાતમી બાદ આ વિસ્તારમાં છટકું ગોઠવીને ૪૬ વર્ષના અરવિંદ ઉર્ફે ગુડ્ડન રામવિકાસ ત્રિવેદી અને ૩૦ વર્ષના સુશીલકુમાર ઉર્ફે સોનુ સુરેશ તિવારી નામના બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ગુડ્ડન વિકાસ દુબેની ગૅન્ગ સાથે સંકળાયેો હોવાથી તેની સામે ૨૦૦૧માં ઉત્તર પ્રદેશના રાજ્ય કક્ષાના પ્રધાન સંતોષ શુક્લાની હત્યાનો કેસ નોંધાયો હોવાથી તેની ધરપકડ માટે સરકારે ઈનામ જાહેર કર્યું હતું.
આ ઑપરેશન પોલીસના ઍડિશનલ ડીજી દેવેન ભારતી, ડીસીપી જયંત નાઈકવારે, વિક્રમ દેશમાને, વિજયકુમાર રાઠોડ અને એસીપી શ્રીપદ કાળેના માગદર્શનમાં ઈન્સ્પેક્ટર દયા નાઈક તથા તેમની ટીમે પાર પાડ્યું હતું.

mumbai mumbai news kanpur