પ્યાર હો તો ઐસા: સોલાપુરમાં જુડવા બહેનોએ જિંદગીભર સાથે રહેવા માટે એક જ મુરતિયા સાથે કર્યાં લગ્ન

04 December, 2022 07:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીજી તરફ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ પૂછી રહ્યા છે કે આ લગ્ન માન્ય છે કે નહીં

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મહારાષ્ટ્રના સોલાપુર (Solapur)માં લગ્નનો એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહીં બે બહેનોએ એક જ યુવકને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો અને તેની સાથે લગ્ન કર્યાં છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ તાલુકામાં શુક્રવારે આઈટી એન્જિનિયર જોડિયા બહેનોનાં લગ્ન થયાં હતાં.

બીજી તરફ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ પૂછી રહ્યા છે કે આ લગ્ન માન્ય છે કે નહીં? એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને જોડિયા બહેનો પિંકી અને રિંકી આઈટી એન્જિનિયર છે અને મુંબઈમાં કામ કરે છે. બંને બહેનોએ અતુલ નામના યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. બંને બાળપણથી એક જ ઘરમાં સાથે રહેતાં હતાં અને ભવિષ્યમાં બંને સાથે રહેવા માગતાં હતાં.

ત્યારે જ તેમના જીવનમાં અતુલ આવ્યો. અતુલ માલશિરસ તાલુકાનો રહેવાસી છે અને તેનો મુંબઈમાં ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ છે. થોડા દિવસો પહેલાં પિતાનું અવસાન થતાં છોકરીઓ તેમની માતા સાથે માલશિરસ તાલુકામાં રહેવા લાગી હતી.

એકવાર જ્યારે રિંકી અને પિન્કીની માતા બીમાર પડી ત્યારે બંનેએ તેને હૉસ્પિટલ લઈ જવા માટે અતુલની કારનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન અતુલ બંને જોડિયા બહેનોની નજીક આવ્યો હતો. ત્યારબાદ બંને બહેનોએ અતુલ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન બાદ ત્રણેય આ લગ્નથી ખૂબ જ ખુશ છે.

આ પણ વાંચો: ઉંદરોની સમસ્યાથી છુટકારો અપાવો, ૧.૩૮ કરોડની નોકરી મેળવો

શુક્રવારે બંને બહેનોએ અતુલ સાથે લગ્ન કર્યાં હતાં, જે બાદ આ અનોખા લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હાલ સ્થાનિક પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે, જો કે આ અનોખા લગ્ન પર પરિવારજનો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

mumbai mumbai news solapur