પાછી ફરેલી ગુજરાતી મહિલાઓ કહે છે કે સિલિન્ડરનો બ્લાસ્ટ નહોતો

31 July, 2012 02:49 AM IST  | 

પાછી ફરેલી ગુજરાતી મહિલાઓ કહે છે કે સિલિન્ડરનો બ્લાસ્ટ નહોતો

વિનોદકુમાર મેનન

મુંબઈ, તા. ૩૦

શ્રીનગર પાસે બ્રિજબેહારા-અનંતનાગ-પહલગામ જતા રસ્તામાં ટૂરિસ્ટ બસમાં થયેલા રહસ્યમય ધડાકાના મામલામાં થયેલી પ્રાથમિક તપાસ મુજબ આ ધડાકો

ગ્રૅનેડ-હુમલાને કારણે નહીં પરંતુ એલપીજી સિલિન્ડરને કારણે થયો હશે એવું તારણ નીકળ્યું છે. આ ધડાકાને પરિણામે ત્રણ ગુજરાતી મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તથા પાંચ મહિલા ઘાયલ થઈ હતી. મૃત્યુ પામેલી ત્રણમાંથી બે મહિલા ભારતીય મૂળની બ્રિટિશ નાગરિકો હતી.

ગઈ કાલે બપોરે ઘાયલ થયેલી બે મહિલાને વિમાનમાર્ગે તેમનાં સગાંવહાલાંઓ મુંબઈ લાવ્યાં હતાં, જ્યારે બે ઘાયલ મહિલા હજીયે શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં ઍડ્મિટ છે. એમાંની એક મહિલાની હાલત અત્યંત નાજુક છે. ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં હૉસ્પિટલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રિયાઝ અહમદ રંગરેઝશાહે કહ્યું હતું કે ‘ઍડ્મિટ કરવામાં આવેલી બેમાંથી એક મહિલા પેશન્ટની હાલત અત્યંત નાજુક છે. તેના માથામાં તેમ જ શરીરના ઘણા ભાગોમાં કરચો ઘૂસી જવાથી ઈજાઓ થઈ છે. કેટલીક કરચોએ તો મગજને પણ ઈજા પહોંચાડી છે એટલે તેમનું ઑપરેશન કરવામાં ભારે જોખમ છે. તેમને અમે બ્રેઇન-ડેડ જાહેર કરી છે. આમ છતાં તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે.’  

ડૉ. રિયાઝે વધુમાં કહ્યું હતું કે ‘ગ્રૅનેડ તથા અન્ય ઘણા વિસ્ફોટક પદાર્થોને કારણે કરવામાં આવતા ધડાકાઓના ઘણા કેસમાં અમે સારવાર આપી છે. અમારો અનુભવ તથા ઘાયલોને થયેલી ઈજાનો પ્રકાર જોતાં આ બનાવ કોઈ વિસ્ફોટક પદાર્થથી કરવામાં આવેલા ધડાકાઓને કારણે નથી થયો એમ વિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ. આ એલપીજી સિલિન્ડરના ધડાકાને કારણે થયેલી ઈજાઓ છે. ઈજાગ્રસ્તોના શરીરમાંથી બહાર કાઢવામાં આવેલી કરચો અમારા દાવાઓને સાચા ઠેરવશે.’

દરમ્યાન રવિવારે શ્રીનગરના ફૉરેન્સિક સાયન્ટિસ્ટોની ટીમે ઘટનાસ્થળ પરથી કેટલાંક સૅમ્પલ એકઠાં કર્યા હતાં. જમ્મુ-કાશ્મીરની ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના ડિરેક્ટર ઇનાયત ઉલાહ ખાને કહ્યું હતું કે ‘સૅમ્પલ ભલે એકઠાં કરવામાં આવ્યાં હોય, પરંતુ હજી સુધી એ અમારી લૅબોરેટરીમાં આવ્યાં નથી. એક-બે દિવસમાં અમારી લૅબોરેટરીમાં એ આવશે અને ત્યાર બાદ અમારા નિષ્ણાતો એની ચકાસણી કરશે.’

જમ્મુ-કાશ્મીર પોલીસના ઍડિશનલ ડિરેક્ટર જનરલ (લૉ ઍન્ડ ઑર્ડર) રાજેન્દ્રકુમારે કહ્યું હતું કે ‘આ કેસનાં તમામ પાસાંઓની અમે ચકાસણી કરી રહ્યા છીએ. કોઈ આંતકવાદી ઘટનાની શક્યતાને અમે નકારી કાઢીએ છીએ. એ સિલિન્ડર બ્લાસ્ટ હશે. ધડાકાના કારણ વિશેના ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના રિપોર્ટ બાદ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.’

ઘટનાની તપાસ પર દેખરેખ રાખી રહેલા અન્ય એક સિનિયર આઇપીએસ અધિકારીએ કહ્યું હતું કે ‘ઉધમપુરના ૪૦ વર્ષના ડ્રાઇવર અશોકકુમારની અમે પૂછપરછ કરી છે. જમ્મુની ભગવતી ટ્રાવેલ્સમાં તે ઘણા લાંબા સમયથી ડ્રાઇવર તરીકે કામ કરે છે. લશ્કરની કસ્ટડીમાં એક યુવાનના થયેલા કથિત મોતના વિરોધમાં શનિવારે હુર્રિયત નેતાઓએ બંધનું એલાન આપ્યું હતું. ડ્રાઇવરે જે રસ્તો (બ્રિજબેહારા-અનંતનાગ-પહલગામ) પસંદ કર્યો હતો એ સૂમસામ હતો. રસ્તા પર કોઈ ગ્રામજનો નહોતા એટલે આ ધડાકાનો કોઈ સાક્ષી પણ નથી.’

ડ્રાઇવરે કરેલા મોબાઇલ ફોનના કૉલ-રેકૉર્ડ્સની ડીટેલ પણ પોલીસે મેળવી છે. એમાં પણ મોટા ભાગના ફોન તેને નોકરી પર રાખનારાએ જ કર્યા હતા. ધડાકાના બનાવ પહેલાં પ્રવાસીઓ કરેલી માગણીના આધારે ડ્રાઇવરે બે ઠેકાણે બસને ઊભી પણ રાખી હતી. પહેલી વખત ડ્રાયફ્રૂટ્સની દુકાને તેમ જ બીજી વખત ઢાબા પાસે બસને ઊભી રાખવામાં આવી હતી. ટોલ-પૉઇન્ટ પર ૩૦ રૂપિયા ટોલ ભરીને બસ થોડાક મીટર આગળ વધી હતી ત્યાં જ આ ધડાકો થયો હતો. પોલીસે એક્સપ્લોઝિવ ઍક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. શા માટે એક્સપ્લોઝિવ ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો એ બાબતે પૂછતાં પોલીસે કહ્યું હતું કે ‘ધડાકાનું કારણ ખબર ન હોવાથી આ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જો આ એલપીજી સિલિન્ડરનો બ્લાસ્ટ છે એમ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના રિપોર્ટના આધારે સાબિત થશે તો ડ્રાઇવર વિરુદ્ધ બેદરકારી બતાવવાનો ગુનો દાખલ કરવામાં આવશે.’

વિરોધાભાસી નિવેદન

કાશ્મીરમાં શનિવારના બ્લાસ્ટમાં ઘાયલ થયેલી બે મહિલાઓ ગઈ કાલે મુંબઈ પાછી આવી હતી. તેમનું કહેવું હતું કે તેમની બસમાં થયેલો બ્લાસ્ટ એલપીજીના સિલિન્ડરને લીધે નહોતો થયો, બહારથી કોઈએ કંઈક ફેંકવાથી થયો હતો. જાન ગુમાવનાર ત્રણ મહિલાઓના મૃતદેહ પણ ગઈ કાલે મુંબઈ લાવવામાં આવ્યા હતા.

એલપીજી = લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ

આઇપીએસ = ઇન્ડિયન પોલીસ સર્વિસ