ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર થશે પીપીનો પ્રૉબ્લેમ દૂર

29 October, 2022 08:48 AM IST  |  Mumbai | Sameer Surve

નાહુર અને વિક્રોલી વચ્ચેના વ્યસ્ત રોડની બન્ને બાજુએ કુલ ૮૬.૨૦ લાખ રૂપિયાના ખર્ચે બે-બે ટૉઇલેટ બનાવવામાં આવશે

ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે આવેલું શૌચાલય (ડાબે) અને દેવનાર ખાતે મુંબઈ-પુણે રોડ પાસે આવેલું શૌચાલય

મુંબઈ : મુંબઈ સુધરાઈએ શહેરમાં હાઇવે ટૉઇલેટ્સનો કન્સેપ્ટ અપનાવ્યાનાં આશરે દસ વર્ષ પછી એણે નાહુર અને વિક્રોલી વચ્ચેના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે બીજાં ચાર ટૉઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે.
શહેર સુધરાઈએ વ્યસ્ત રોડની બન્ને બાજુએ બે-બે શૌચાલયો માટેનાં ટેન્ડર મગાવ્યાં છે. આ સુવિધા પાછળ ૮૬.૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને એ પાંચ-છ મહિનામાં તૈયાર થઈ જવાની અધિકારીઓએ અપેક્ષા વ્યક્ત કરી હતી.
‘એસ’ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અજિતકુમાર આંબીએ જણાવ્યું હતું કે ‘અમે કેટલાંક સ્થળોની ઓળખ કરી છે. એમાંથી અમે શૌચાલય બાંધવા માટેની જગ્યા નક્કી કરીશું. આ શૌચાલયો પ્રમાણમાં નાનાં હશે. મુંબઈના મુલુંડ અને વિક્રોલીના એન્ટ્રી પૉઇન્ટ વચ્ચે હાઇવે પર કોઈ ટૉઇલેટ નથી. ઘાટકોપર અને વિક્રોલીના દરેક શૌચાલયમાં દસ ક્યુબિકલ્સ આવેલાં છે, પણ નવા દરેક શૌચાલયમાં ચારથી પાંચ ક્યુબિકલ્સ હશે.’ 
મુંબઈ સુધરાઈએ વાહનચાલકો અને નાગરિકોની સુવિધા માટે ૨૦૧૨માં હાઇવે શૌચાલયનો કન્સેપ્ટ અપનાવ્યો હતો. મુંબઈને થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, નવી મુંબઈ અને પનવેલ સાથે સાંકળતા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી રોજ અંદાજે એક લાખ વાહનો અવરજવર કરે છે.
મુંબઈ સુધરાઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટૉઇલેટ્સ બનાવવા માટે જમીન મેળવવાનું કામ મુશ્કેલ હતું. હવે અમે મુંબઈ સુધરાઈની માલિકીની જગ્યાની ઓળખ કરી લીધી હોવાથી આ સમસ્યા નિવારી શકાશે.’

mumbai news mumbai