AIના વાઘે તો હદ કરી નાખી

10 November, 2025 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વિડિયોમાં દારૂડિયો ટાઇગરને પંપાળીને શરાબ પીવડાવે છે તો બીજામાં વાઘ એક માણસને ઉપાડીને લઈ ગયા પછી પાછો મૂકી જાય છે

AI-જનરેટેડ વિડિયોમાં નશામાં ધુત એક ભાઈ વાઘને દારૂ પીવડાવતા હોય એવું દર્શાવાયું હતું.

સોશ્યલ મીડિયા પર વાઘના બે એવા વિડિયો વાઇરલ થયા છે જે જોઈને લોકોનાં ભવાં તણાઈ ગયાં છે. જોકે થોડા સમયમાં આ બન્ને વિડિયો ફેક હોવાની અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરવામાં આવ્યા હોવાની જાણ થઈ હતી.

પહેલો વિડિયો નાગપુર જિલ્લાના પેંચ ટાઇગર રિઝર્વનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વિડિયો સાથે એવી વિગતો પણ વાઇરલ થઈ હતી કે એક મજૂર નશામાં એવો ધુત હતો કે તેણે પેંચ ટાઇઝર રિઝર્વમાં વાઘને બિલાડી સમજી લીધો હતો એટલું જ નહીં, તે વાઘને બિઅર પીવડાવી રહ્યો હતો. આ વિડિયો સાથેની પોસ્ટમાં તો એવી વાત પણ ઘડી કાઢવામાં આવી હતી કે આ બનાવને કારણે આસપાસના ગ્રામજનો ભયભીત બન્યા હતા અને વન-અધિકારીઓએ પછીથી વાઘને શાંત પાડ્યો હતો.

એક વિડિયોમાં ફૉરેસ્ટ ગેસ્ટહાઉસમાં બેઠેલી વ્યક્તિ પર વાઘે હુમલો કર્યો હોવાનું બતાવાયું હતું અને પછી એ જ વાઘ માણસને પાછો મૂકી જાય છે તથા તેને પાણી પીવડાવે છે એવું દર્શાવવામાં આવ્યું હતું.

જોકે પોલીસ-ઍક્શન પછી આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પરથી દૂર કરવામાં આવ્યો હતો. વાઇરલ થયેલો બીજો વિડિયો વાઘના હુમલાનો છે. ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તરીકે રજૂ કરાયેલા આ વિડિયો સાથેની પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં બ્રહ્મપુરીના ફૉરેસ્ટ ગેસ્ટહાઉસમાં એક વ્યક્તિ ખુરસી પર બેઠી હતી ત્યારે અચાનક વાઘે આવીને તે વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને તેને ઢસડીને જંગલમાં લઈ ગયો હતો. હુમલાના આ ખતરનાક વિડિયોને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે આ જ ઘટનાના બીજા ભાગ તરીકે એવો વિડિયો સામે આવ્યો હતો જેમાં વાઘ ઉપાડી ગયેલા માણસને પાછો મૂકી જાય છે અને તેને બૉટલ લાવીને પાણી પણ પીવડાવે છે. મહારાષ્ટ્ર પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB)એ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે આ વિડિયો ફેક છે અને AI દ્વારા બનાવાયો છે.

mumbai news mumbai social media ai artificial intelligence maharashtra government maharashtra news wildlife maharashtra forest department