બે-તૃતીયાંશ વાલીઓ મોકલે છે પોતાનાં સંતાનોને સ્કૂલમાં

23 November, 2021 07:43 AM IST  |  Mumbai | Prajakta Kasale

૩૪ ટકા પેરન્ટ્સ પોતાનાં સંતાનોને મોકલતા ન હોવાથી સુધરાઈ વધુ ને વધુ બાળકો સ્કૂલમાં આવે એ માટે વાલીઓનો સંપર્ક કરી રહી છે

આ વર્ષે ઑક્ટોબરમાં ઑફલાઇન વર્ગોમાં શિક્ષણ મેળવી રહેલા એમવીએમ સ્કૂલના વિદ્યાર્થીઓ

શહેરભરમાં ૮થી ૧૦મા ધોરણ સુધીનું ઑફલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું એને એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં બીએમસીના ડેટા અનુસાર લગભગ ૩૪ ટકા વાલીઓ હજી પણ તેમનાં સંતાનોને સ્કૂલ મોકલવા રાજી નથી. એમાંથી મોટા ભાગના વાલીઓ મહામારીમાં બાળકોના આરોગ્યની ચિંતાને પગલે તેમને શાળાએ નથી મોકલતા. આથી બીએમસીના શિક્ષણ વિભાગે હવે વધુ ને વધુ માતા-પિતા તેમનાં સંતાનોને ઑફલાઇન વર્ગોમાં મોકલવા પ્રેરાય એ માટે જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.
શિક્ષણ વિભાગના ડેટા અનુસાર કુલ ૮૦૯ શાળાઓએ ધોરણ ૮થી ૧૦ના ઑફલાઇન વર્ગો શરૂ કર્યા છે, જેમાં ૭૧,૯૨૩ વિદ્યાર્થીઓ છે. એમાંથી ૪૭,૬૩૪ (૬૬.૨ ટકા) વિદ્યાર્થીઓના વાલીઓએ ઑફલાઇન વર્ગો માટે સંમતિ આપી છે, પણ માત્ર ૪૨,૧૦૪ (૮૮.૪ ટકા) વિદ્યાર્થીઓ જ નિયમિત સ્કૂલ આવે છે, જ્યારે ૨૪,૨૮૯ (૩૩.૮ ટકા) વિદ્યાર્થીઓનાં માતા-પિતા તેમનાં બાળકોને સ્કૂલ મોકલવા તૈયાર નથી, જે માટે આરોગ્ય ઉપરાંત સ્થળાંતર, બીજી શાળામાં ઍડ્મિશન, સંપર્ક ન થતો હોવા સહિતનાં કારણો જવાબદાર છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જીત કુંભારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે એનજીઓની મદદથી વાલીઓનો સંપર્ક સાધીને તેમના ઘરની મુલાકાત લઈને જાગૃતિ ફેલાવવાનું કાર્ય શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓ શાળામાં આવતા થાય એ માટે અમે કૉર્પોરેટરોની મદદ પણ લઈ રહ્યા છીએ અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે એવી આશા છે. જ્યાં સુધી સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા ન થાય ત્યાં સુધી ઑનલાઇન શિક્ષણ ચાલુ રખાશે.’
બીએમસીના શિક્ષણ અધિકારી રાજુ તડવીએ જણાવ્યું કે ‘ઑફલાઇન વર્ગોમાં હાજરી સારી છે. હવે અમે રૂબરૂ વર્ગોનું મહત્ત્વ સમજાવવા જાગૃતિ ફેલાવી રહ્યા છીએ. વાલીઓના ઘરની મુલાકાત લઈને તેમને સમજાવવામાં આવે છે.’
પૂર્વ સબર્બની એક બીએમસી સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે ‘મહામારી છે ત્યાં સુધી વાલીઓ ખચકાટ અનુભવશે, પણ ઑફલાઇન વર્ગો માટે સંમત થનારા વાલીઓની સંખ્યા અમારી અપેક્ષા કરતાં ઊંચી છે.’

ઑફલાઇન શિક્ષણ
૮થી ૧૦મા ધોરણ માટે વર્ગો શરૂ કરનાર સ્કૂલની સંખ્યા - ૮૦૯
નોંધણી ધરાવતા કુલ વિદ્યાર્થીઓ – ૭૧,૯૨૩
વાલીની સંમતિ ધરાવતાં બાળકો – ૪૭,૬૩૪ (૬૬.૨ ટકા)
વાલીની સંમતિ ન ધરાવતાં બાળકો – ૨૪,૨૮૯ (૩૩.૮ ટકા)
બીમાર વિદ્યાર્થીઓ – ૩,૪૧૪ (૧૪ ટકા)
સ્થળાંતર કરી ગયેલા વિદ્યાર્થીઓ – ૩૦૮૬ (૧૨.૭ ટકા)

Mumbai mumbai news pallavi smart prajakta kasale