ચોરીની છ રિક્ષા સાથે બે ચોરની થઈ ધરપકડ

03 December, 2022 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિક્ષા ચોરીને નંબર-પ્લેટ બદલી દેતા અને બીજાને ચલાવવા આપી દેતા

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી પોલીસે બે રિક્ષાચોરની ધરપકડ કરી છે. તેઓ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી રિક્ષાની ચોરી કરતા હતા અને એની નંબર-પ્લેટ બદલીને માલવણીથી મલાડ રેલવે-સ્ટેશન વચ્ચે શૅર-એ-રિક્ષા પર ચલાવતા હતા તેમ જ ભાડા પર ચલાવવા માટે આપી દેતા હતા. એમાંથી અમુક રિક્ષાની નંબર-પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું પોલીસની સામે આવતાં કાર્યવાહી કરાઈ હતી.

કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિનકર જાધવે જણાવ્યું હતું કે ‘કાંદિવલીથી ચોરાયેલી રિક્ષા દોડી રહી હોવાની માહિતી મળતાં એ વિશે તપાસ કરતી વખતે કાંદિવલી પોલીસની ડિટેક્શન ટીમને ખબર પડી કે ચોરાયેલી રિક્ષાને માલવણીથી મલાડ રેલવે-સ્ટેશન વચ્ચે શૅરિંગ પર રિક્ષાની નંબર-પ્લેટ બદલીને ચલાવવામાં આવી રહી હતી. આ કેસમાં પોલીસે ઇદ્રિસ મુસ્તાક અન્સારી અને ઇકબાલ મોહમ્મદ રફીક શેખ નામના બે ચોરની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં બન્ને ચોરે જણાવ્યું હતું કે આ લોકો રિક્ષાની ચોરી કરતા હતા અને એનો નંબર બદલીને રિક્ષાચાલકોને શૅર-એ-રિક્ષામાં ચલાવવા માટે આપતા હતા તેમ જ તેઓ પોતે પણ રિક્ષા ચલાવતા હતા. તપાસ દરમ્યાન કાંદિવલીથી ચોરાયેલી રિક્ષા નંબર-પ્લેટ બદલીને ચલાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે ચોરાયેલી કેટલીક રિક્ષાઓની નંબર-પ્લેટને બદલીને એમને વેચવાનું કામ પણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. કાંદિવલી પોલીસ એક રિક્ષાની તપાસ કરવા પહોંચી હતી અને છ ચોરાયેલી રિક્ષા કબજે કરી હતી.’

mumbai mumbai news Crime News mumbai crime news kandivli