શોરૂમમાંથી લૅપટૉપ ચોરતા રાજસ્થાનના બે ચોર પકડાયા

07 September, 2021 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીઓ ડિસ્પ્લેમાં રાખેલાં લૅપટૉપ સેરવી લેતા હતા : મુંબઈ, નવી મુંબઈ, થાણે, દિલ્હીમાંથી ચોરેલા ૮ લૅપટૉપ અને કાર પોલીસે જપ્ત કર્યાં

રાજસ્થાનના બે આરોપી પાસેથી જપ્ત કરેલાં લૅપટૉપ સાથે નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ

નવી મુંબઈ, મુંબઈ, થાણે અને દિલ્હીના શોરૂમમાંથી લૅપટૉપની ચોરી કરવાના આરોપસર નવી મુંબઈ પોલીસે બે રાજસ્થાનમાં રહેતા ચોરની ગઈ કાલે વાશી રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ૮ લૅપટૉપ અને ગુનામાં વાપરવામાં આવેલી એક કાર જપ્ત કરી હતી. આરોપીઓ ઈલેક્ટ્રોનિક્સના શોરૂમમાં ડિસ્પ્લેમાં રાખેલા લૅપટૉપ સેરવી લઈને પલાયન થઈ જતા હતા.

નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની યુનિટ ૨ની ટીમને માહિતી મળી હતી કે રાજસ્થાનમાં રહેતા, પણ મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં શોરૂમમાંથી લૅપટૉપની ચોરી કરનારા બે આરોપી ફરાર આરોપી વાશી રેલવે સ્ટેશન પાસે આવવાના છે. પોલીસે અહીં છટકું ગોઠવીને ૩૮ વર્ષના ધરમસિંહ મીના અને ૨૬ વર્ષના આશિષકુમાર મીના નામના બે આરોપીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૮ લૅપટૉપ અને ગુનામાં વાપરવામાં આવેલી એક કાર મળીને કુલ ૧૨,૧૦,૩૩૭ રૂપિયાની મત્તા જપ્ત કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચની યુનિટ-૨ના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ગિરિધર ગોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવી મુંબઈ, મુંબઈ અને થાણેમાં આવેલા ક્રોમા, રિલાયન્સ ડિજિટલ, વિજય સેલ્સ અને કિંગ્ઝ જેવા ઈલેટ્રૉનિક શોરૂમમાં ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા લૅપટૉપની ઘટના તાજેતરમાં બની હતી. આવી જ રીતે નવી મુંબઈના સીબીડી બેલાપુર અને પનવેલ શહેરમાં પણ લૅપટૉપ ચોરી થવાની ફરિયાદો નોંધાઈ હતી. અમે તમામ ચોરીના સ્થળે સીસીટીવી કૅમેરાના ફૂટેજ અને મોડસ ઑપરેન્ડી પરથી આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. તેઓ વાશી રેલવે સ્ટેશન પાસે આવવાના હોવાની માહિતીને આધારે અમે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓપી પૂછપરછમાં મુંબઈ ઉપરાંત તેમણે નવી દિલ્હીના એક શોરૂમમાંથી પણ લૅપટૉપ ચોરી કર્યું હોવાનું જણાયું હતું. બોરીવલીમાં એક જ દિવસે તેમણે ત્રણ શોરૂમમાંથી લૅપટૉપ તફડાવ્યા હતા. ચોરી કરેલા લૅપટૉપ તેઓ સસ્તામાં

વેચી નાખતા હતા. તેમણે જ્યાં ચોરી કરેલા લૅપટૉપ વેચ્યા હતા ત્યાંથી જપ્ત કર્યાં હતા.’

પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં તેમની ૮ સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી મેળવી હતી. તેમની સાથે બીજા કોઈ આરોપી છે કે કેમ અથવા તો આવી રીતે બીજી કોઈ જગ્યાએ તેમણે હાથચાલાકી કરી છે કે નહીં એની તપાસ પોલીસ કરી રહી છે.

mumbai mumbai news Crime News mumbai crime news navi mumbai mumbai crime branch crime branch