રવિવારે પાર્લામાં બે સગી બહેનો કરશે સંસારત્યાગ

08 December, 2011 08:21 AM IST  | 

રવિવારે પાર્લામાં બે સગી બહેનો કરશે સંસારત્યાગ



(સપના દેસાઈ)

મુંબઈ, તા. ૮

બન્ને બહેનો શ્રી જુહુ સ્કીમ જૈન સંઘના નેજા હેઠળ વિલે પાર્લેમાં આવેલા જશોદા રંગમંદિરમાં પ્રબુદ્ધ વક્તા પરમપૂજ્ય ગણિવર્ય લબ્ધિચંદ્રસાગર મહારાજસાહેબ અને પરમપૂજ્ય સાધ્વી શ્રી પૂર્ણકલાશ્રીજી મહારાજસાહેબની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી રહી છે.

મૂળ અમદાવાદના શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાવાસી જૈન જ્ઞાતિના ૫૧ વર્ષના શૈલેશકુમાર રમણલાલ શાહ અને આશાબહેનની ૨૩ વર્ષની ગ્રૅજ્યુએટ થયેલી મોટી પુત્રી દિશા અને બારમું ભણેલી ૧૯ વર્ષની પુત્રી જયણા રવિવારે દીક્ષા અંગીકાર કરી રહી છે જેમાં જયણા તો સ્વભાવે એકદમ અલ્લડ અને મજાની લાઇફ જીવવામાં માનતી હતી, પણ અચાનક દીક્ષાનો ભાવ જાગતાં મોટી બહેનને પગલે તેણે પણ દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં જયણાએ કહ્યું હતું કે ‘હું નાની હતી ત્યારથી જ એકદમ બિન્દાસ અને મોજશોખથી જીવવાનું પસંદ કરતી આવી છું. કૉલેજમાં પણ ભણવા દરમ્યાન મજા કરી, પણ એ દરમ્યાન મારી મોટી બહેન દિશા સાથે વર્ષો અગાઉ દીક્ષા લેનારાં મારાં માસી પાસે મેં પણ દેરાસર-ઉપાશ્રયમાં આવવા-જવાનું શરૂ કર્યું હતું. એ દરમ્યાન મને સંસારમાં બધું મિથ્યા હોવાનું જણાઈ આવ્યું અને માયાનો ત્યાગ કરી ધર્મના માર્ગે જવાનો ભાવ જાગ્યો અને મારી મોટી બહેનની માફક મેં પણ દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.’

જયણાને કૉલેજમાં આવ્યા બાદ દીક્ષા લેવાનો ભાવ જાગ્યો હતો જ્યારે ૨૩ વર્ષની દિશાને તો નાનપણથી જ મનમાં દીક્ષા લેવાની પ્રબળ ભાવના હતી, પણ માતા-પિતાની મંજૂરી સિવાય તે દીક્ષા લેવા નહોતી માગતી એવું બોલતાં દિશાએ કહ્યું હતું કે ‘અમારા ઘરની આજુબાજુ દેરાસર અને ઉપાશ્રય હોવાથી નાનપણથી જ અમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ રહ્યું છે અને મારે ત્યાં રોજનું આવવા-જવાનું પણ થતું રહેતું. એ દરમ્યાન અનેક મહારાજસાહેબનાં પ્રવચનો સાંભળીને અને તેમના પરિચયમાં આવીને મને મનમાં થોડો દીક્ષાનો ભાવ તો જાગ્યો હતો, પણ પરિવાર મંજૂરી આપશે કે નહીં એ બાબતે થોડી દ્વિધામાં હતી. જોકે એ દરમ્યાન મારાં માસીએ પણ દીક્ષા લીધી હતી એટલે તેમની પાસે પણ મારે સતત આવવા-જવાનું રહે છે એટલે મનમાં દીક્ષા લેવાનો ભાવ ફરી પ્રબળ થયો હતો.’

મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પણ જાગ્યો હતો એટલે છેવટે હિંમત કરીને સંસારનો ત્યાગ કરી દીક્ષા લેવાનો મેં મારો નિર્ણય ઘરમાં જણાવ્યો હતો એવું બોલતાં દિશાએ કહ્યું હતું કે ‘શરૂઆતમાં તો પરિવારે ભારે વિરોધ કર્યો હતો. મમ્મી-પપ્પા તૈયાર નહોતાં થતાં, પણ મારા ઇરાદાને જોતાં પરિવારે મંજૂરી આપી દીધી હતી અને મારી સાથે જ જયણાને પણ દીક્ષાનો ભાવ જાગ્યો હતો એટલે બન્ને બહેનોના મક્કમ ઇરાદાઓ સામે પરિવારે ઝૂકવું પડ્યું હતું અને છેવટે રાજીખુશીથી પરિવારે દીક્ષા માટે મંજૂરી આપી દીધી હતી.’

પ્રોવિઝન સ્ટોર ધરાવતા પિતા શૈલેશકુમાર રમણલાલ શાહે પોતાની બન્ને દીકરીઓના દીક્ષા લેવાના નિર્ણય પ્રત્યે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘શરૂઆતમાં અમે બહુ ખચકાટ અનુભવી રહ્યા હતા. કોઈ મા-બાપ પોતાની બન્ને દીકરીઓેને પોતાનાથી દૂર ન કરી શકે એટલે બન્ને દીકરીઓના દીક્ષા લેવાના નિર્ણયને ગાંડપણ ગણાવી અમે તેમને બહુ સમજાવી હતી. પરિવારના વડીલોએ પણ બન્નેને ખૂબ સમજાવી હતી, પણ તેઓ ટસની મસ નહીં થઈ અને તેમના મક્કમ ઇરાદાને જોતાં અમે છેવટે તેમને રાજીખુશીથી દીક્ષા લેવા માટે સંમતિ આપી હતી.’