આંખમાં મરચાંનો પાઉડર નાખીને લૂંટનારા બે જણ પકડાઈ ગયા

20 September, 2022 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નારપોલી પોલીસે ઝડપી પગલાં લેતાં ફ્લિપકાર્ટે ડિલિવરી અટકાવીને ૧.૬૦ લાખ રૂપિયા જતા બચાવ્યા

આરોપીઓ પાસેથી હસ્તગત કરાયેલા મુદ્દામાલ સાથે નારપોલી પોલીસની ટીમ

ભિવંડીમાં નારપોલીના અરિહંત કમ્પાઉન્ડમાં આવેલી એસ. પી. ઇન્ટરનૅશનલમાં નોકરી કરતા ૫૧ વર્ષના અનિલ પાહુજાને આંખમાં મરચાંનો પાઉડર નાખીને લૂંટી લેવાયા હતા. એ કેસમાં નારપોલી પોલીસે તપાસ કરીને બે જણની ધરપકડ કરી છે.

નારપોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. બલ્લાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મીનાઝુલ ફૈધુલ હક અને તેના સાગરીત શરિમુદ્દીન અનવરુદ્દીન રેહમાનને ઝડપી લેવાયા છે. તેમણે આ કેસમાં ફરિયાદી પાસેના ૨૦,૧૧૦ રૂપિયાની રોકડ, તેના ચાર મોબાઇલ અને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ લૂંટ્યાં હતાં. એ મોબાઇલમાંથી સિમ કાર્ડ કાઢી અન્ય મોબાઇલમાં એ કાર્ડ નાખી ક્રેડિટ કાર્ડ પરથી એ જ રાતે આરોપીઓએ ૧.૬૦ લાખ રૂપિયાની ​ફ્લિપકાર્ટમાંથી ખરીદી પણ કરી હતી. જોકે ફરિયાદીએ આ વિશે અમને જાણ કરતાં અમે ફ્લિપકાર્ટનો સંપર્ક કર્યો હતો અને ફ્લિપકાર્ટે એ ડિલિવરી અટકાવી દીધી હતી. એથી એ રકમ બચી ગઈ હતી. ત્યાર બાદ ઝીણવટભરી તપાસ કરીને અમે બંને આરોપીઓને ૧૬ સપ્ટેમ્બરે ઝડપી લીધા હતા. તેમની પાસેથી ફરિયાદીના ચારેચાર મોબાઇલ પણ પાછા મેળવ્યા છે. જે કૅશ ચોરાઈ હતી એ આરોપીઓએ વાપરી નાખી છે. જોકે ૧.૬૦ લાખની રકમ બચી ગઈ એ મહત્ત્વનું હતું. હાલ બંને આરોપીઓને ૨૦ સપ્ટેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.’ 

mumbai mumbai news bhiwandi Crime News mumbai crime news