એક જ સમયે બે કાર્યક્રમ : બાળાસાહેબ ઠાકરે કોના?

24 January, 2023 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનભવનના સેન્ટ્રલ હૉલમાં રાજ્ય સરકારે શિવસેનાના સ્થાપકના તૈલચિત્રનું અનાવરણ કર્યું, તો બીજી તરફ તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ પિતાના જન્મ દિવસે ષણ્મુખાનંદ હૉલમાં બીજા કાર્યક્રમમું આયોજન કર્યું

ઉદ્ધવ ઠાકરેએ ષણ્મુખાનંદ હૉલમાં પિતાના અભિવાદન અને કાર્યકરોનું માર્ગદર્શન કરવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

મુંબઈ : શિવસેનાના સ્થાપક અને સદગત હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેનો ગઈ કાલે ૯૭મો જન્મદિવસ હતો. આ દિવસે મુંબઈમાં બાળાસાહેબને લગતા બે જુદા-જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વિધાનભવનના સેન્ટ્રલ હૉલમાં બાળાસાહેબ ઠાકરેના મૂકવામાં આવેલા પહેલવહેલા તૈલચિત્રનું અનાવરણ કરાયું હતું તો બીજી બાજુ તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ કિંગ્સ સર્કલમાં આવેલા ષણ્મુખાનંદ હૉલમાં પિતાના અભિવાદન અને કાર્યકરોનું માર્ગદર્શન કરવા માટે બીજા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સાત મહિના પહેલાં એકનાથ શિંદે સહિત શિવસેનાના ૪૦ વિધાનસભ્યોએ બળવો કર્યા બાદ શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન મેળવવા માટે આ જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે કાયદાકીય લડાઈ ચાલી રહી છે. બંને કાર્યક્રમ સાંજના સાત વાગ્યે આયોજિત કરવામાં આવ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનાને છોડી નથી અને બાળાસાહેબના વિચારને આગળ વધારવા માટે પહેલ કરી હોવાનું કહ્યું છે. ઉદ્ધવ ઠાકરે જોકે એકનાથ શિંદેએ દગો કર્યો હોવાથી તેમને ગદ્દાર કહી રહ્યા છે. બાળાસાહેબ ઠાકરેએ શરૂ કરેલી શિવસેનાએ ૨૦૧૯ની વિધાનસભામાં બીજેપી સાથે યુતિમાં ચૂંટણી લડી હતી અને વિજય મેળવ્યો હતો. આમ છતાં મુખ્ય પ્રધાનપદ બાબતે ઉદ્ધવ ઠાકરેએ બીજેપી સાથેની યુતિ તોડી હતી અને એનસીપી અને કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવીને મુખ્યય પ્રધાન બન્યા હતા. આમ કરીને ઉદ્ધવ ઠાકરેએ બીજેપીની સાથે રાજ્યની જનતાને દગો આપ્યો હોવાનો આરોપ બીજેપી અને એકનાથ શિંદે જૂથ કરી રહ્યું છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બાળાસાહેબને સન્માન મળે એ માટે મુંબઈમાં આવેલા વિધાનભવનના સેન્ટ્રલ હૉલમાં તેમનું તૈલચિત્ર મૂકવાનો નિર્ણય લીધો હતો, જેનું ગઈ કાલે અનાવરણ પણ કર્યું હતું. આ સમયે ઠાકરે પરિવારમાંથી રાજ ઠાકરે હાજર રહ્યા હતા, પરંતુ બાળાસાહેબના પુત્ર ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ નહોતું અપાયું એટલે તેઓ વિધાનભવન નહોતા પહોંચ્યા.
ઉદ્ધવ ઠાકરેએ કિંગ્સ સર્કલમાં આવેલા ષણ્મુખાનંદ હૉલમાં પિતાનું અભિવાદન કરવાની સાથે કાર્યકરોને માર્ગદર્શન આપવાનું આયોજન કર્યું હતું. બાળાસાહેબ એક હતા, પરંતુ તેમના માટે મુંબઈમાં તેમની ૯૭મી જન્મજયંતી નિમિત્તે બે જુદા-જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમય પણ સાંજના સાત વાગ્યાનો હતો એટલે અહીં સવાલ એ થાય છે કે બાળાસાહેબ કોના?

આ પણ વાંચો: મુંબઈ બીએમસીની ચૂંટણીનું કાઉન્ટડાઉન?

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી રાજીનામું આપશે?
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ટૂંક સમયમાં જ રાજીનામું આપે એવા સંકેત આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોતે હવે રાજકીય જવાબદારીમાંથી મુક્ત થઈને બાકીનું જીવન અધ્યયન, મનન અને ચિંતનમાં વિતાવવા માગતા હોવાની ઇચ્છા ભગત સિંહ કોશ્યારીએ ગયા ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત વખતે વ્યક્ત કરી હોવા બાબતનો પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે ‘મહારાષ્ટ્ર જેવી સંત, સમાજસુધારક અને શૂરવીરોની મહાન ભૂમિના રાજ્યસેવક, રાજ્યપાલ થવાનું બહુમાન મળ્યું છે એનો મને ગર્વ છે. છેલ્લાં ત્રર્ષ વર્ષથી વધુ સમયથી રાજ્યની જનતા પાસેથી મળેલો પ્રેમ અને પોતીકાપણું ક્યારેય ભૂલી નહીં શકું. આપની તાજેતરમાં મુંબઈની મુલાકાત દરમ્યાન મેં હવે પછીનું જીવન અધ્યનન, મનન અને ચિંતનમાં વિતાવવા માગતો હોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આપનો વિશેષ સ્નેહ મને કાયમ મળતો રહ્યો છે અને આશા છે કે મારા આ નિર્ણય બાબતે પણ તેઓ આશીર્વાદ આપશે.’ વડા પ્રધાનને આવો પત્ર લખવાથી નજીકના ભવિષ્યમાં ભગત સિંહ કોશ્યારી રાજ્યપાલનું પદ છોડી દે એવી શક્યતા ઊભી થઈ છે. ત્રણ વર્ષના કાર્યકાળમાં મહાપુરુષ બાબતના વિવાદાસ્પદ નિવેદન બદલ તેમની વિરોધ પક્ષોએ ભારે ટીકા કરી છે અને તેમણે રાજીનામું આપી દેવું જોઈએ એવી અનેક વખત માગણી કરી છે. ગઈ કાલે રાજ્યપાલ રાજીનામું આપે એવા સમાચાર વહેતા થયા બાદ વિરોધ પક્ષોના નેતાઓએ ફરી તેમને નિશાન બનાવીને ટીકા કરી હતી.

વંચિત આઘાડી સાથે આવતાં ઉદ્ધવ ઠાકરેએ અજિત પવારને સંભળાવ્યું
બાળાસાહેબ ઠાકરેના ગઈ કાલના જન્મદિવસે પ્રકાશ આંબેડકરના પક્ષ વંચિત બહુજન આઘાડી અને શિવસેના ઉદ્ધવ ઠાકરેએ યુતિ કરવાની જાહેરાત કરી હતી. આ સમયે ઉદ્ધવ ઠાકરેએ એનસીપી અને વિરોધ પક્ષના નેતા અજિત પવારને સંભળાવ્યું હતું કે ‘હવે આગળ જઈને સદ્ભાવનાનું રાજકારણ કરવાનું ન હોય તો મને લાગે છે કે હવે સાથે હોવાનું નાટક કોઈએ કરવું ન જોઈએ.’ વંચિત બહુજન આઘાડી સાથે યુતિ કરવાની ગઈ કાલે જાહેરાત કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડીમાં વંચિત બહુજન આઘાડીને સ્થાન આપવામાં આવશે. કોણ કેટલી બેઠકો લડશે એનો નિર્ણય બાદમાં લઈશું. વિધાન પરિષદની ચૂંટણીમાં અમે એકબીજાની મદદ કરી અને નાગપુરમાં પણ ઉમેદવારી પાછી ખેંચી. નાશિકની જગ્યા કૉન્ગ્રેસ માટે છોડી, પણ તેણે ન કરવાનું કર્યું. અમરાવતીની જગ્યા કૉન્ગ્રેસ માટે છોડી. આમ છતાં અમારા માણસ હોય એવું લાગ્યું નથી. આથી હવે જો સદ્ભાવનાનું રાજકારણ આગળ જતા કરવાનું ન હોય તો એકસાથે રહેવાનું નાટક કોઈએ ન કરવું જોઈએ.’ જોકે આ સમયે ઉદ્ધવ ઠાકરેએ વંચિત બહુજન આઘાડી સાથે આવવાથી શરદ પવાર સાથેના સંબંધમાં કોઈ મુશ્કેલી નહીં આવે એવું કહ્યું હતું. આ સમયે પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે લોકશાહીને બચાવવા અને હુકમશાહીને ખતમ કરવા માટે અમે મહાવિકાસ આઘાડી સાથે હાથ મિલાવ્યા છે.

mumbai news shiv sena uddhav thackeray bal thackeray