વિદેશથી આવતા બે ટકા ઍર ટ્રાવેલર્સની કોવિડ ટેસ્ટ

25 December, 2022 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સાથે જ રાજ્ય સરકારે ગાઇડલાઇન્સ જારી કરીને વાઇરસને નિયંત્રણમાં રાખવા માટેનાં પગલાં લેવાની શરૂઆત કરી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈઃ હાલ રાજ્યમાં ભલે કોવિડના કેસની સંખ્યા મર્યાદિત છે અને પરિસ્થિતિ અંકુશમાં છે, પણ વિદેશોમાં ખાસ કરીને ચીન, જપાન, અમેરિકા અને બ્રાઝિલમાં કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે અને ચીનમાં કોવિડના નવા બીએફડૉટ૭ વેરિઅન્ટે દેખાદીધી છે ત્યારે આપણે ગાફેલ રહેવું પાલવે નહીં એવું લાગતાં એકનાથ શિંદેના વડપણ હેઠળની રાજ્ય સરકારે ગાઇડલાઇન્સ બહાર પાડી મહત્ત્વનાં પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે. ઍરપોર્ટ પર રૅન્ડમ ટેસ્ટિંગ કોરોનાના કેસ મુખ્યત્વે વિદેશથી આવતા અથવા વિદેશથી પાછા ફરી રહેલા ભારતીય નાગરિકો દ્વારા કૅરી કરાતા હોય છે એથી ઍરપોર્ટ પર વધુ ધ્યાન રાખવામાં આવશે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ઍરપોર્ટ પર ખાસ ચેકિંગ વધારવું. દરેક ઇન્ટરનૅશનલ ફ્લાઇટના પ્રવાસીઓમાંથી બે ટકા પ્રવાસીઓનું રૅન્ડમ-ચેકિંગ કરવું. ઍરપોર્ટ પર જ આરટીપીસીઆર ચેકિંગની સુવિધા ઊભી કરવી અને જે પ્રવાસીઓ શંકાસ્પદ લાગે તેમની આરટીપીસીઆર કરવી અને એનો ચાર્જ પ્રવાસી પાસેથી ન લેવો.

હજી અહીં કેસ વધ્યા નથી, પણ પૂરતી કાળજી લેવાની છે ત્યારે લોકોએ ડરવાની કે પૅનિકમાં આવી જવાની જરૂર નથી, પણ સાવચેતી તો રાખવી જ પડશે એમ રાજ્ય સરકારનું કહેવું છે. રાજ્ય સરકારે કહ્યું છે કે રાજ્યમાં ૨૨ ડિસેમ્બર સુધીમાં ૧૩૫ કોવિડના દરદીઓ હોવાનું જણાઈ આવ્યું હતું. માસ્ક પહેરવો હાલ ફરજિયાત નથી કરાયો, પણ સિનિયર સિટિઝન જો કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોય તો તેમણે ગિરદીમાં કે સાર્વજનિક જગ્યાએ જતી વખતે માસ્ક પહેરવો હિતાવહ રહેશે. એ ઉપરાંત કોવિડને જો નિયંત્રણમાં રાખવો હોય તો ટેસ્ટ, ટ્રૅક, ટ્રીટ, વૅક્સિનેટ અને કોવિડ અનુરૂપ વર્તન આ પાંચ બાબતો પર વિશેષ ધ્યાન આપવાનું દરેક જિલ્લા અધિકારીને જણાવાયું છે. એ સિવાય મુંબઈ સહિત દરેક સુધરાઈએ અને જિલ્લા સ્તરે ટેસ્ટિંગ વધારવું અને લૅબ-ટેસ્ટિંગ અને આરટીપીસીઆર ટેસ્ટિંગમાં પણ વધારો કરવો. જેના પણ આરટીપીસીઆર પૉઝેટિવ આવે અને એની સિટી વૅલ્યુ ૩૦ કરતાં ઓછી હોય તો એ સૅમ્પલ જીનોમ સીક્વે​ન્સિંગ માટે મોકલાવવાં, વૅક્સિનેશન વધારવું અને બૂસ્ટર ડોઝ પર વધુ ધ્યાન આપવા જણાવાયું છે. એ સિવાય દરેક હૉસ્પિટલોમાં આઇસીયુ, વે​​ન્ટિલેટર, ઑક્સિજન પ્લાન્ટ ચાલુ છે કે નહીં એની ખાતરી કરી લઈ એ યોગ્ય રીતે ચાલુ કરવા જણાવાયું છે. રાજ્ય સ્તરે દરેક સરકારી અને ખાનગી મેડિકલ કૉલેજો અને હૉસ્પિટલોને તૈયાર રહેવા જણાવાયું છે અને સ્ટાફને પણ ટ્રેનિંગ આપવા કહેવામાં આવ્યું છે. દરેક જિલ્લા સ્તરે અને સુધરાઈમાં ટાસ્ક ફોર્સનું ગઠન કરી માહિતી મેળવી એની તૈયારી કરવા જણાવી દેવાયું છે. 

mumbai mumbai news coronavirus mumbai airport