પાલઘરમાં વધુ બે સાધુઓ પર લૂંટને ઇરાદે હુમલો કરાયો

30 May, 2020 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલઘરમાં વધુ બે સાધુઓ પર લૂંટને ઇરાદે હુમલો કરાયો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બાલિવલી ખાતે બે અજાણ્યા હુમલાખોરોએ બે પૂજારી પર હુમલો કરીને મંદિરમાં લૂંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હોવાનું પોલીસે ગઈ કાલે  જણાવ્યું હતું. પાલઘરમાં જ બે સાધુ અને તેમના ડ્રાઈવરની લોકોએ હત્યા કરવાની ઘટના એકાદ મહિના પહેલાં જ બની હતી, ત્યારે ફરી એક વખત સાધુઓ પર હુમલો થવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ આ બનાવ ગુરુવારે રાત્રે આશરે ૧૨.૩૦ વાગ્યે બન્યો હતો. ત્રણ શખસો શસ્ત્રો સાથે વસઈ તાલુકાના બાલિવલી ખાતેના જાગૃત મહાદેવ મંદિર અને આશ્રમમાં ઘૂસી ગયા હતા. તેમણે મંદિરના મુખ્ય પૂજારી શંકરાનંદ સરસ્વતી અને તેમના સહાયક ઉપર હુમલો કરીને ૬૮૦૦ રૂપિયાની મતા લૂટી લીધી હતી. બાદમાં તેમણે મંદિરમાં પણ લૂંટ ચલાવી હતી. બન્ને સાધુને સામાન્ય ઈજા થઈ હતી અને તેઓ જેમ-તેમ કરીને હુમલાખોરોની પકડમાંથી છૂટવામાં સફળ રહ્યા હતા.

મુખ્ય પૂજારીએ આશ્રમના એક રૂમમાં જઈને રૂમ અંદરથી બંધ કરી દીધો હતો, જ્યારે તેમનો સહાયક મંદિરના સંકુલમાંથી ભાગી ગયો હતો. આથી તેઓ બચી ગયા હતા.

આ મામલે વિરાર પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસરે જણાવ્યા પ્રમાણે આઇપીસીની કલમ ૩૯૪ તથા અન્ય સુસંગત કલમો હેઠળ લૂંટારાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ૧૬ એપ્રિલે પાલઘરના ગડચિંચલે ગામમાં એક ટોળા દ્વારા બે સાધુ અને તેમના ડ્રાઇવરનું મૉબ લિન્ચિંગ કરવામાં આવ્યા બાદ સાધુઓ પર આ બીજો હુમલો પ્રકાશમાં આવ્યો છે.

mumbai mumbai news palghar