રાજ્યમાં ૧૫ દિવસમાં વધુ બે પ્રધાને પદ છોડવું પડશે: બીજેપી

09 April, 2021 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચંદ્રકાંત પાટીલે કહ્યું કે કેટલાક લોકો આ પ્રધાનો વિરુદ્ધ કોર્ટમાં જશે જેને પગલે તેમણે રાજીનામું આપવું પડશે

ચંદ્રકાંત પાટીલ

આગામી ૧૫ દિવસમાં રાજ્યના વધુ બે પ્રધાનોએ રાજીનામાં આપવાં પડશે અને ત્યાર બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા યોગ્ય કેસ બનશે એમ જણાવતાં રાજ્યના બીજેપી એકમના વડા ચંદ્રકાંત પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ સામાન્ય માનવીએ વિચારવાનું છે. કોઈનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો આ પ્રધાનો વિરુદ્ધ કોર્ટમાં જશે જેને પગલે તેમણે રાજીનામું આપવું પડશે.

સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વઝેએ એક પત્રમાં ગૃહપ્રધાને મુંબઈ પોલીસમાં તેની નોકરી કાયમ રાખવા બે કરોડ રૂપિયાની માગણી કરી હતી અને અન્ય એક પ્રધાન અનિલ પરબે તેમને કૉન્ટ્રૅક્ટર પાસેથી પૈસા લેવા જણાવ્યું હોવાનો દાવો કર્યા બાદ ચંદ્રકાંત પાટીલે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.

એનસીપીના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખ સામે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ભ્રષ્ટાચારના કરેલા આક્ષેપ માટે મુંબઈ હાઈ કોર્ટે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યા અનિલ દેશમુખે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. શિવસેનાના નેતા અનિલ પરબે તેમની સામેના આક્ષેપને રદિયો આપ્યો હતો.

ચંદ્રકાંત પાટીલે વધુમાં કહ્યું હતું કે અનિલ દેશમુ​ખ સામેની તપાસ સાથે ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન અનિલ પરબ સામે પણ તપાસનો આદેશ આપવામાં આવે એવી સંભાવના છે. જોકે તેમની પાર્ટી આવી કોઈ માગણી નથી કરી રહી એમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘​હવે તો નિષ્ણાતોને સમજાવું જોઈએ કે રાજ્યમાં જે કંઈ ચાલી રહ્યું છે એનાથી વધુ શું જોઈએ છે રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે? જો તમે દરેક બાબત માટે કેન્દ્રને જવાબદાર માનો છો તો પછી કેન્દ્ર સરકારને જ શા માટે રાજ્યનો વહીવટ નથી સોંપી દેતા?’

mumbai mumbai news bharatiya janata party