હવે ઍક્શન જ

22 May, 2022 07:55 AM IST  |  Mumbai | Rohit Parikh

જોધપુર પહેલાં મોગરા ગામના હાઇવે પર ગઈ કાલે સવારે ચાર વાગ્યે એક ડમ્પરે રૉન્ગ સાઇડથી આવીને વિહાર કરી રહેલા ત્રણ સાધુઓને જોરદાર ટક્કર મારતાં બે સાધુનાં મોત થતાં સમુદાયમાં આક્રોશ : એક સાધુનો ચમત્કારિક બચાવ : ઍક્સિડન્ટ પછી ડમ્પરનો ડ્રાઇવર ભાગી છૂટ્યો

રાજસ્થાનના જોધપુરના શ્રી ભેરુબાગ પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર તીર્થમાં મુનિશ્રી ચરણતિલકવિજયજી મહારાજસાહેબ તથા મુનિશ્રી ચૈતન્યતિલકવિજયજી મહારાજસાહેબની પાલખીયાત્રામાં જોડાવા માટે એકઠી થયેલી જનમેદની.


મુંબઈ : રાજસ્થાનના જોધપુર શહેરના ૧૫ કિલોમીટર પહેલાં મોગરા ગામના હાઇવે પર ગઈ કાલે સવારે ચાર વાગ્યે એક ડમ્પરે રૉન્ગ સાઇડથી આવીને વિહાર કરી રહેલા ત્રણ સાધુઓને જોરદાર ટક્કર મારી હતી, જેને કારણે બે જૈન સાધુઓ કાળધર્મ પામ્યા હતા અને એકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવ પછી જૈન સમાજમાં ફરીથી એક વાર હાહાકાર મચી ગયો હતો અને રોષની લાગણી ફેલાઈ છે. 
જૈન સમાજના લોકો કહે છે કે એક બાજુ દેશભરમાં અત્યારે ચારે બાજુ દીક્ષાના પ્રસંગો ઊજવાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ રોજ સવાર પડે અને રોડ-ઍક્સિડન્ટમાં સાધુ-સાધ્વીભગવંતો કાળધર્મ પામ્યાના સમાચારથી અમારાં દિલ દુભાય છે. આ સંજોગોમાં બધા જ સંપ્રદાયના જૈન અગ્રણીઓ, આગેવાનો અને ગુરુભગવંતોએ આ મુદ્દે ગંભીરતાથી ‌વિચારવાનો સમય પાકી ગયો છે. ફક્ત વિચારવાનો નહીં, રોડ-ઍક્સિડન્ટમાં સાધુભગવંતોના કાળધર્મ અટકે એના માટે નક્કર કદમ ઉપાડવાની જરૂર છે. 
ગઈ કાલે વહેલી સવારે શાંતતપોમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય શાંતિચંદ્રસૂરીશ્વજી મહારાજસાહેબના સમુદાયના આચાર્ય વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્નો પૂજ્ય મુનિશ્રી ચરણતિલકવિજયજી મહારાજસાહેબ, મુનિશ્રી ચૈતન્યતિલકવિજયજી મહારાજસાહેબ, શાશ્વતતિલક મહારાજસાહેબ તેમ જ બાલમુનિ સહિત બીજા બે મહારાજસાહેબ સાથે વિહાર કરી રહ્યા હતા. આ પાંચેય સાધુઓ સામેથી વાહનો તેમને દેખાય એવી રીતે પ્રૉપર ડાયરેક્શનમાં વિહાર કરી રહ્યા હતા. આ સાધુઓ મોગરા ઉપાશ્રયથી જોધપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે મુનિશ્રી ચરણતિલકવિજયજી મહારાજસાહેબ અને મુનિશ્રી ચૈતન્યતિલકવિજયજી મહારાજસાહેબ અને મુનિ શાશ્વતતિલક મહારાજસાહેબને પાછળથી રૉન્ગ સાઇડથી આવેલા એક ડમ્પરે ઉડાડી દીધા હતા. અકસ્માત પછી ડમ્પરનો ડ્રાઇવર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ગઈ કાલે મોડી રાત સુધી ડમ્પરના ડ્રાઇવરની કુડુ પોલીસ ધરપકડ કરી શકી નહોતી. 
‍ગઈ કાલે વહેલી સવારે ચાર વાગ્યે અમને પોલીસ કન્ટ્રોલ-રૂમમાંથી ફોન આવ્યો હતો કે મોગરા પાસે બે જૈન સાધુઓનો રોડ પર અકસ્માત થયો છે એમ જણાવીને રાજસ્થાનના કુડુ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાસ્થળે પહોંચ્યા પછી અમને જાણકારી મળી હતી કે રાજસ્થાનના મોગરા ગામના ઉપાશ્રયથી - જે મેઇન રોડ પર જ આવેલો છે - ત્રણ સાધુઓ જોધપુર તરફ વિહાર કરીને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફુલ સ્પીડમાં આવી રહેલું એક ડમ્પર મુનિશ્રી ચરણતિલકવિજયજી મહારાજસાહેબ તથા મુનિશ્રી ચૈતન્યતિલકવિજયજી મહારાજસાહેબ અને મુનિશ્રી શાશ્વતતિલક મહારાજસાહેબને જોરદાર અથડાઈને જતું રહ્યું હોવાથી ૫૬ વર્ષના મુનિશ્રી ચરણતિલકવિજયજી મહારાજસાહેબ ઑન ધ સ્પૉટ રોડ પર મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૩૩ વર્ષના મુનિશ્રી ચૈતન્યતિલકવિજયજી મહારાજસાહેબને અકસ્માત બાદ ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે તેમનું મૃત્યુ હૉસ્પિટલમાં પહોંચે એ પહેલાં જ થઈ ગયું હતું. મુનિશ્રી શાશ્વતતિલક મહારાજસાહેબનો ચમત્કારિક રીતે બચાવ થઈ ગયો હતો અને તેમને મામૂલી ઈજા થઈ હતી. અમે ડમ્પરના ડ્રાઇવર સામે ગુનો નોંધીને તેની તપાસ કરી રહ્યા છીએ.’  
આ બન્ને જૈન સાધુઓની પાલખીયાત્રા ગઈ કાલે સાંજના છ વાગ્યે જોધપુરના શ્રી ભેરુબાગ પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર તીર્થથી નીકળી હતી.  

mumbai news rajasthan