31 August, 2026 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માત કરનાર કન્ટેનર.
ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર જાગૃતિનગર મેટ્રો સ્ટેશન નીચે ગઈ કાલે વહેલી સવારે પાંચ વાગ્યે એક અત્યંત દર્દનાક અકસ્માતમાં ઘાટકોપરના ભટવાડી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા ૧૫ વર્ષના આર્યન પાસવાન અને ૧૪ વર્ષના ગણેશ મહામુનિ કન્ટેનરના વ્હીલ નીચે આવી જવાથી ભયાનક રીતે કચડાઈને મૃત્યુ પામ્યાં હતાં. આ મામલે ઘાટકોપર પોલીસે કન્ટેનર-ડ્રાઇવર પ્રકાશ ચહર સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. ગણેશ વહેલી સવારે પોતાના પિતાની સ્કૂટી લઈને ઘરની બહાર નીકળ્યો હતો અને તેના મિત્ર આર્યનને પાછળ બેસાડ્યો હતો. સ્કૂટી ચલાવતા બન્ને ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર આવ્યા હતા. જ્યારે તેઓ જાગૃતિનગર મેટ્રો સ્ટેશન નીચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે કન્ટેનર લઈને આવી રહેલા પ્રકાશ ચહર નામના ડ્રાઇવરે તેમની સ્કૂટીને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બન્ને બાળકો કન્ટેનરના પાછળના પૈડા નીચે કચડાઈ ગયા હતા.
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી ગંભીર રીતે ઘવાયેલાં બન્ને બાળકોને સારવાર માટે રાજાવાડી હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ત્યાંના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માત કઈ રીતે સર્જાયો અે વિશે વધુ માહિતી ભેગી કરવામાં આવી રહી છે.’