બાવીસ ફૂટ ઊંડા ખાડામાંથી દીપડાનાં બે બચ્ચાંને બચાવી લેવાયા

19 December, 2012 05:41 AM IST  | 

બાવીસ ફૂટ ઊંડા ખાડામાંથી દીપડાનાં બે બચ્ચાંને બચાવી લેવાયા



રણજિત જાધવ

મુંબઈ, તા. ૧૯

દીપડાને જોતાં કોઈ પણ સામાન્ય શહેરી માણસ ત્યાંથી ભાગી જવાનો વિચાર કરે, પરંતુ ગઈ કાલે સવારે મીરા રોડમાં કાશી-મીરા વિસ્તારના ઘોડબંદર ગામના કેટલાક ગામવાસીઓએ બાવીસ ફૂટ ઊંડા ખાડામાં પડેલાં દીપડાનાં બે બચ્ચાંઓની ત્રાડ સાંભળીને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદની રાહ જોયા વગર બન્ને બચ્ચાંઓને ખાડામાંથી બહાર નીકળવા માટે મદદ કરી હતી.

ઘોડબંદર ફોર્ટ પાસે આવેલા આદિવાસી પાડાના ગામવાસીઓ ક્રિકેટ મેદાન પાસે આવેલા એક ખાડામાં દીપડાનાં બચ્ચાં પડી ગયાં હોવાની જાણકારી મળી હતી. સમગ્ર વિસ્તારમાં આ વાત પ્રસરી જતાં પ્રાણીને જોવા ૪૦૦ કરતાં વધુ લોકો ટોળે વળ્યાં હતા. તેઓમાંના એકે સંજય ગાંધી નૅશનલ પાર્કના કન્ટ્રોલ-રૂમમાં સવારે સવાદસ વાગ્યે ફોન કરીને જાણ કરી હતી. જોકે ટોળે વળેલા કેટલાક લોકો દીપડાઓને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા હતા. એ જોઈને ગ્રામવાસીઓએ ખાડામાં સીડી મૂકી હતી જેથી દીપડાઓ એના પરથી ચડીને બહાર નીકળીને ભાગી શકે. સીડી મૂકતાં દીપડાનાં બચ્ચાં તરત જ બહાર આવ્યાં અને નજીકના જંગલમાં નાસી ગયાં હતાં.

 જોકે એક દીપડાને ઈજા થઈ હોય એવું જણાતું હતું, કારણ કે એ લંગડાતો હતો. સંજય ગાંધી નૅશનલ પાર્કના પશુઓના ડૉક્ટર સંજીવ પીંજરેકરે કહ્યું હતું કે અમારી ટીમ ત્યાં પહોંચે એ પહેલાં જ ગ્રામવાસીઓએ મૂકેલી સીડીને લીધે દીપડાનાં બચ્ચાંઓ ત્યાંથી ભાગી ગયાં હતાં.