ગાર્ડનમાં રમવા ગયેલાં બે માસૂમ બાળકો ઢાંકણા વગરની ટાંકીમાં પડીને ડૂબી ગયાં

19 March, 2024 09:55 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

વડાલાની આ ઘટનામાં પરિવારજનો ૨૦ કલાક સુધી બન્ને બાળકોને શોધતા રહ્યા અને ગઈ કાલે સવારે સાડાછ વાગ્યે મૃતદેહ મળી આવ્યા

કરણ અને અંકુશ આજુબાજુનાં બાળકો સાથે રમતાં-રમતાં ગાર્ડનમાં જઈ ચડ્યાં અને પાણીની ટાંકીમાં પડી મૃત્યુ પામ્યાં હતાં.

વડાલામાં રહેતા અને વાસણો વેચી પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવારનાં બે બાળકો ઘરની બાજુમાં આવેલા મહર્ષિ કર્વે ગાર્ડનમાં ર​વિવારે સવારે અન્ય બાળકો સાથે રમવા ગયાં હતાં. રમતાં-રમતાં બન્ને બાળકો ગાર્ડનની ઢાકણા વગરની, માત્ર તાડપત્રીથી ઢાંકેલી ટાંકી પરથી પસાર થતી વખતે એમાં પડ્યાં હતાં અને પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યાં હતાં. 

બીજી બાજુ ઘણી વાર સુધી પાંચ વર્ષનો અંકુર અને ૪ વર્ષનો કરણ ઘરે ન આવતાં તેમનાં મા-બાપ બેબાકળાં બનીને તેમને શોધી રહ્યાં હતાં. તેમણે આખા ગાર્ડનમાં બોળકોની શોધ કરી હતી તેમ જ જ્યાં પણ શક્ય હોય એ વિસ્તારમાં તપાસ કરી હતી, પણ બાળકો મળ્યાં નહોતાં. આખરે ગઈ કાલે સવારે સાડાછ વાગ્યે ગાર્ડનની ટાંકીમાંથી બન્નેના મૃતદેહ મળી આવતાં રોકકળ મચી ગઈ હતી 

ભાવનગર પાસે ધંધુકા રોડ પર આવેલા પડાણા ગામના દેવીપૂજક જ્ઞાતિના મનોજ કાવિઠિયા તેમની પત્ની સોનુ અને પાંચ દીકરાઓ સાથે વડાલા સ્ટેશનના ફ્લાયઓ‍વર પર રહે છે અને માથા પર ટોપલો મૂકીને રોજ અલગ-અલગ જગ્યાએ ફરીને જૂનાં કપડાં સામે વાસણો આપવાનો ધંધો કરીને પ​રિવારનું ગુજરાન ચલાવે છે. 

કાવિઠિયા પરિવારે આખો દિવસ બાળકોને શોધ્યાં હતાં, પણ ગાર્ડનમાં કે બીજે ક્યાંય ભાળ ન મળી એટલે આખરે રાતે સામે આવેલી ચાલીમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં અને એમાં સવારે અંકુશ અને કરણ બીજાં બાળકો સાથે ગાર્ડનમાં જતાં દેખાયાં હતાં પણ બહાર આવતાં નહોતાં દેખાયાં. એથી રાતે અઢી વાગ્યે બાળકોના પપ્પા મનોજ કાવિઠિયાએ ગાર્ડનમાં જઈને તપાસ કરી હતી. એ વખતે ટાંકીમાં પણ જોયું, પણ એમાં ખાસ કંઈ દેખાતું નહોતું. સવારે થોડું અજવાળું થતાં તેઓ ફરી ગાર્ડનમાં ગયા અને એ વખતે ટાંકી જોઈ તો એ ટાંકી પર ઢાંકણાં નહોતાં અને એના પર મૂકેલી તાડપત્રી અડધી પાણીમાં અને અડધી બહાર હતી. એટલે શંકા જતાં લાકડી ટાંકીમાં નાખી હલાવીને પાણી પર તરતો કચરો દૂર કર્યો અને મોબાઇલની ટૉર્ચના પ્રકાશથી ચેક કર્યું તો તેમના મોટા દીકરાનો હાથ દેખાયો, એ પછી તેની બૉડી અને એની પાછળ નાના દીકરાની બૉડી હતી. તરત જ તેમણે પોલીસને જાણ કરીને બન્ને બૉડી બહાર કાઢી હતી.

આ સંદર્ભે BMCના સ્થા​નિક વૉર્ડના અ​સિસ્ટન્ટ કમિશનર ચક્રપાણી અલ્લેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પાંગળો બચાવ કરતાં કહ્યું હતું કે ‘મને જે માહિતી મળી છે એ મુજબ એ બાળકો સ્લમનાં હતાં અને ગાર્ડનમાં ગેરકાયદે પાછળની વૉલ અને ફેન્સ તોડીને પ્રવેશ્યાં હતાં.’ 

ઢાંકણાં ચોરાઈ ગયા બાદ એના પર માત્ર તાડપત્રી નાખીને રહેવા દેવી એ બેદરકારી ન કહેવાય? એવું પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘જ્યારે ઢાંકણાં ચોરાયાં એ પછી તરત બાળકો એમાં પડ્યાં છે. એના પર કોઈ શીટ નાખવામાં આવી હોવાની મને જાણ નથી. બીજું, એ ગાર્ડનનું મેઇન્ટેનન્સ અને ​સિક્યૉરિટી અમે એક એજન્સીને આપ્યાં છે એટલે બધી જવાબદારી તેમની આવે છે.’

mumbai news mumbai bakulesh trivedi