‘સ્પાઇડરમૅન’ સ્ટાઇલમાં ચોરી કરતા ચોરો પકડાયા

06 July, 2023 09:15 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

બે ગુજરાતી યુવાન અને મહિલાની ધરપકડ : રાતના સમયે બિલ્ડિંગના પાઇપ વડે ચડી ઘરમાં ચોરી કરીને લાખો રૂપિયાના દાગીના ચોરી ગયા

સમતાનગર પોલીસે સ્પાઇડરમૅન તરીકે ચડી જતા બે આરોપીની ધરપકડ કરી હતી

કાંદિવલીમાં ૧૯ વર્ષનો ચોર તેના સહયોગીની મદદથી ‘સ્પાઇડરમૅન’ની જેમ દીવાલ સાથેની ડ્રેનેજ પાઇપ પર ચડીને ચોરી કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ ટોળકી અંધેરીથી કાંદિવલી સુધી સક્રિય હતી. આ ટોળકીએ અત્યાર સુધીમાં અનેક ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. સતત ફરિયાદો મળતાં પોલીસ ટીમ લાંબા સમયથી આ ટોળકીની શોધમાં હતી. સમતાનગર પોલીસે બે ગુજરાતી ચોર સહિત ચોરીના દાગીના વેચનાર ગુજરાતી મહિલાની ધરપકડ કરી હતી.  

કાંદિવલી (ઈસ્ટ)ના અશોકનગરમાં રહેતાં ૬૨ વર્ષનાં રીટા હરેશ શાહના ઘરેથી કુલ ૧,૯૭,૦૦૦ રૂપિયાના સોનાના દાગીના અને ડાયમન્ડની રિંગ ચોરી થઈ હોવાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી અમોલ ભગત અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત બાતમીદારો અને ટેક્નિકલ નિષ્ણાતોની મદદથી ગુનાની ઝીણવટભરી તપાસ હાથ ધરીને એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી તેમ જ ચોરાયેલા માલમાંથી ૧,૮૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સમતાનગર પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર અમોલ ભગતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૧૩ માળના આ બિલ્ડિંગમાં ચેતન અને દીપ નામના બે ચોરે પહેલાં તપાસ કરી રાખી હતી. રાતના એકથી ચાર વાગ્યાની વચ્ચે ચેતન આ બિલ્ડિંગના પાઇપ પર ચડીને ચોથા માળે પહોંચ્યો હતો. એ વખતે તેને બીજા માળની બારી ખુલ્લી જોવા મળી હતી. એથી તે રીટા શાહના બેડરૂમની બારી ખુલ્લી હોવાથી અંદર ઘૂસ્યો હતો. અંદર ઘૂસીને તેણે બેડરૂમના કબાટમાંથી સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી, જ્યારે દીપ નીચે રહીને હિલચાલ પર નજર રાખી રહ્યો હતો. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓમાં અંધેરી (ઈસ્ટ)માં ઓમ સાંઈ બિલ્ડિંગમાં રહેતો ૧૯ વર્ષનો ચેતન રાઠોડ, અંધેરી (ઈસ્ટ)ના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક રહેતો ૧૯ વર્ષનો દીપ પંચાલ અને અંધેરી (ઈસ્ટ)ના ઓલ્ડ નાગરદાસ રોડ પર ઇન્દિરાનગર મિત્ર મંડળ ચાલમાં રહેતી ૩૪ વર્ષની અંબિકા રાઠોડનો સમાવેશ છે. આરોપીઓને પોલીસ-કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો છે.

આ ચોર સેકન્ડમાં બહુમાળી બિલ્ડિંગ પર ચડી જતો હતો. આ માટે તેઓ પીએનજી પાઇપલાઇન અને ડ્રેનેજ પાઇપલાઇનનો ઉપયોગ કરતા હતા. સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પરથી પોલીસને આ ટોળકી વિશેની માહિતી મળી હતી. બન્ને પકડાયેલા આરોપીઓ પર એક-એક કેસ પહેલાંથી નોંધાયેલા છે અને પોલીસ કેસની વધુ તપાસ કરી રહી છે.’

kandivli Crime News mumbai crime news mumbai police mumbai mumbai news andheri preeti khuman-thakur