કર્જત જતી લોકલ ટ્રેનમાં બે જૂથ વચ્ચે થઈ મારામારી

30 August, 2019 01:00 PM IST  |  મુંબઈ

કર્જત જતી લોકલ ટ્રેનમાં બે જૂથ વચ્ચે થઈ મારામારી

કર્જત જતી લોકલ ટ્રેનમાં બે જૂથ વચ્ચે થઈ મારામારી

લોકલ ટ્રેનમાં સેકન્ડ ક્લાસના પ્રવાસીઓ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પ્રવાસ કરતા હોવાથી ત્યાં હંમેશાં ભીડ રહેતી હોય છે. અનેક વાર પ્રવાસીઓ વચ્ચે આને કારણે ઝઘડા થતા હોય છે. આવો જ એક ઝઘડો કર્જત જતી લોકલ ટ્રેનમાં મંગળવારે રાતે થયો હતો. બે જૂથ વચ્ચે થયેલો ઝઘડો બદલાપુર સ્ટેશન આવે એ પહેલાં મારામારીમાં પરિણમ્યો હતો જેને કારણે લોકલ ટ્રેનને ૧૫ મિનિટ થોભાવવી પડી હતી. સ્ટેશન પર હાજર જીઆરપી અને સ્ટેશન માસ્તરની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે સાંજે ૬.૨૧ વાગ્યાની સીએસએમટીથી છૂટેલી કર્જત લોકલ થાણે સ્ટેશન પર આવી ત્યારે અગાઉથી જ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ભારે પ્રમાણમાં ભીડ હતી ત્યારે કર્જત જવા માટે થાણેના પ્રવાસીઓ એમાં ચડ્યા હતા. એ સમયે બદલાપુરના અમુક પ્રવાસીઓની ફર્સ્ટ ક્લાસમાં ચડેલા ફોગટિયા પ્રવાસીઓ સાથે રકઝક થઈ હતી. બે વ્યક્તિ વચ્ચે થયેલી રકઝક બદલાપુર સ્ટેશન આવે એ પહેલાં મારામારીમાં પરિણમી હતી. બદલાપુર સ્ટેશને ચેઇન પુલિંગ થતાં જીઆરપીનો સ્ટાફ અને સ્ટેશન માસ્તર દોડી આવ્યા હતા. બન્ને જૂથ વચ્ચે થયેલા ઝઘડાને થાળે પાડવા જીઆરપીએ મધ્યસ્થી કરી હતી. આખરે મામલો શાંત પડ્યો હતો, પણ લોકલ ટ્રેન બદલાપુર સ્ટેશને ૧૫ મિનિટ થોભાવવી પડી હતી જેને કારણે પાછળ આવતી લોકલો પણ મોડી પડી હતી.
મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિ‌‌નસથી છૂટતી કર્જત અને કસારાની લોકલ ટ્રેનમાં સાંજના સમયે પ્રવાસ કરનારા ફર્સ્ટ ક્લાસના પાસધારક પ્રવાસીઓ કરતાં ફોગટમાં અને સેકન્ડ ક્લાસના પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. ત્રણ ગણા પૈસા ચૂકવીને પણ ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓને સીએસએમટીથી બેસવાની જગ્યા મળતી નથી અને એને કારણે દરરોજ પ્રવાસીઓ વચ્ચે ઝઘડા થતા હોય છે. બોરીવલી અને વિરારના પ્રવાસીઓમાં જે રીતે વિવાદ થાય છે એવો જ વિવાદ હવે બદલાપુર અને કર્જતના પ્રવાસીઓ વચ્ચે થઈ રહ્યો છે.

karjat mumbai