બે ગઠિયાએ મેટલના વેપારીને ઑનલાઇન પેમેન્ટના બહાને ૨૦,૦૦૦નો ચૂનો લગાડ્યો

08 August, 2022 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેપારીએ પાયધુની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

પ્રતીકાત્મક તસવીર

છેલ્લાં વર્ષોમાં ઑનલાઇન પેમેન્ટ એટલે કે કૅશલેસ મનીનું મહત્ત્વ મોટા પ્રમાણમાં વધ્યું છે. વેપારીઓ પાસે ખરીદી કરવા આવતા લોકો મોટા ભાગે ગૂગલ-પે અથવા પેટીએમ દ્વારા પેમેન્ટ કરતા હોય છે. પાયધુનીમાં મેટલના વેપારી પાસે ખરીદી કરવા આવેલા બે ગઠિયાએ માલ ખરીદી કરી પેટીએમ દ્વારા પેમેન્ટ કર્યું હતું. તેણે પેમેન્ટ સક્સેસફુલી પેઇડનો મેસેજ પણ વેપારીને બતાડ્યો હતો. જોકે કલાકો સુધી પણ બૅન્ક-અકાઉન્ટમાં પૈસા જમા ન થતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં‍ વેપારીએ પાયધુની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુલાલવાડીના નળબજારમાં મેટલનો વ્યવસાય કરતા સંજય શાહે કરેલી ફરિયાદ અનુસાર પાંચમી ઑગસ્ટે સાંજે સાડાછ વાગ્યે બે લોકો તેની દુકાને આવ્યા હતા. તેમણે કૉપરના પાઇપની માગણી કરીને આશરે ૧૯ કિલો કૉપરના પાઇપની ખરીદી કરી હતી. એનું પેમેન્ટ આપતાં તેમણે કહ્યું હતું કે અમારી પાસે રોકડું પેમેન્ટ નથી એટલે તમને પેટીએમથી પૈસા આપીએ છીએ. એ પછી તેમણે વેપારીને ૧૯,૩૦૯ રૂપિયાનું પેમેન્ટ પેટીએમથી મોકલી દીધું હોવાનો મેસેજ બતાવ્યો હતો અને બન્ને ત્યાંથી જતા રહ્યા હતા. જોકે વેપારીના બૅન્ક-અકાઉન્ટમાં પૈસા જમા ન થતાં તેણે તરત પોતાના બે માણસને યુવાનોને બહાર જોવા મોકલ્યા હતા, પણ તેઓ ત્યાંથી માલ લઈને નીકળી ગયા હતા. વેપારીએ ઘટનાની ફરિયાદ પાયધુની પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

પાયધુની પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે આવેલા બે લોકોને આઇડેન્ટિફાઈ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આજે બધા જ વેપારીઓ ઑનલાઇન પેમેન્ટ સ્વીકારતા હોય છે. આ આરોપીઓ બીજા લોકો સાથે પણ આવી  જ રીતે છેતરપિંડી કરી શકે છે એટલે અમે તમામ વેપારીઓને જાગ્રત રહેવાની વિનંતી કરીએ છીએ.’ 

mumbai mumbai news Crime News mumbai crime news cyber crime