ભાયખલામાં ઇમારત તૂટી પડતાં બે વ્યક્તિનાં મોત

28 August, 2020 10:36 AM IST  |  Mumbai | Mumbai correspondent

ભાયખલામાં ઇમારત તૂટી પડતાં બે વ્યક્તિનાં મોત

નાગપાડામાં થઈ રહેલી બચાવ કામગીરી. તસવીર : પી.ટી.આઈ

મુંબઈમાં જર્જરિત મકાનોની સમસ્યા યથાવત્ છે. મૉન્સૂન શરૂ થાય એટલે અહીંના રહેવાસીઓના જીવ પડીકે બંધાઈ જાય છે કે કોઈ હોનારત ન થાય તો સારું. ગઈ કાલે ફરી એક વાર આવી બે દુર્ઘટના બની હતી. તળ મુંબઈના ભાયખલામાં એક જૂના મકાનના ટૉઇલેટનો ભાગ તૂટી પડ્યો હતો, જેમાં ૭૦ વર્ષના નુર કુરેશી અને ૧૨ વર્ષની આલિયા રિયાસત કુરેશીનાં મોત થયાં હતાં, જ્યારે સ્લૅબ તૂટી પડવાની બીજી ઘટના ચેમ્બુરમાં બની હતી, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘવાઈ હતી. ભાયખલાના નાગપાડા વિસ્તારમાં શુક્લાજી સ્ટ્રીટના જાણીતા ચાઇના બિલ્ડિંગની નજીક આવેલા આયેશા કમ્પાઉન્ડના ગ્રાઉન્ડ પ્લસ બે માળના મિશ્રા બિલ્ડિંગનો ટૉઇલેટનો ભાગ ગઈ કાલે બપોરે એક વાગ્યે તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનાં પાંચ ફાયરએન્જિન, એક ક્વિક રિસ્પૉન્સ વેહિકલ, ૧૦૮ ઍમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ અને મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. સ્થાનિકોની મદદથી પહેલાં બચાવકાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં રાજ્યના હાઉસિંગ ડેવલપમેન્ટ પ્રધાન અને એનસીપીના નેતા જિતેન્દ્ર આહવાડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ કહ્યું હતું કે ‘આ બિલ્ડિંગના રીડેવલપમેન્ટનું કામ બિલ્ડર સીરસીવાલાને આપવામાં આવ્યું હતું, જે માટે ભાડૂઆતોએ પણ સંમતિ આપી જ હશે. નાગપાડાની આ દુર્ઘટનાની માહિતી મળતાં મુંબઈના પાલકપ્રધાન અસ્લમ શેખે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

વિક્રોલીમાં કન્સ્ટ્રક્શન-સાઇટની લિફ્ટ તૂટી પડતાં બેનાં મોત
વિક્રોલી-ઈસ્ટના કન્નમવાર નગર-2માં ષટ્કાર હૉલની બાજુમાં શિર્કે કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડિંગની ઉપર માલસામન લઈ જતી લિફ્ટ તૂટી પડતાં ૩૫ વર્ષના તિવારી યાદવ અને ૩૬ વર્ષના ભોલારામ યાદવનું મોત થયું હતું. 

mumbai mumbai news byculla