બાઇક-ઍક્સિડન્ટમાં બે ભાઈઓનાં મૃત્યુ બાદ મેઘવાળ સમાજે ઉપાડી અનોખી ઝુંબેશ

17 November, 2012 06:20 AM IST  | 

બાઇક-ઍક્સિડન્ટમાં બે ભાઈઓનાં મૃત્યુ બાદ મેઘવાળ સમાજે ઉપાડી અનોખી ઝુંબેશ



તાડદેવની તુલસીવાડીમાં રહેતાં બીમાર માતા-પિતાના આધારસ્તંભ સમા બે સગા ભાઈઓનાં મોટરસાઇકલ-ઍક્સિડન્ટમાં મૃત્યુ થતાં આખા મેઘવાળ સમાજને આઘાત લાગતાં એક અનોખી ઝુંબેશ ઉપાડવામાં આવી છે.

દિવાળી પૂર્વે ૪ નવેમ્બરે હિંમત અને ઉમેશ ચૌહાણ નામના બે સગા ભાઈઓ તેમની મમ્મીને હૉસ્પિટલમાં મળીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે થયેલા બાઇક-ઍક્સિડન્ટમાં તેમનાં મૃત્યુ થયાં હતાં. તેમનાં મમ્મી હાર્ટ અને ટીબીનાં પેશન્ટ છે અને પપ્પાને ગળાનું કૅન્સર છે એથી બન્ને ભાઈઓ પર આખા ઘરની જવાબદારી હતી, પરંતુ તેમનો એ અકસ્માતમાં જીવ જતાં તેમનાં મા-બાપની હાલત કફોડી બની ગઈ છે. તેમનાં મા-બાપની આવી હાલત જોઈને અને સમાજના ઘણા યુવકો આ રીતે બાઇક-અકસ્માતમાં જીવ ગુમાવતા હોવાથી સમાજે એ વિશે એક અનોખી ઝુંબેશ ઉપાડી છે અને ગઈ કાલે યોજાયેલી બન્ને ભાઈઓની પ્રાર્થનાસભામાં એની શરૂઆત કરવામાં આવી હતી.

આ વિશે માહિતી આપતાં સામાજિક કાર્યકર હંસરાજ હેલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને ભાઈઓનાં અકસ્માતમાં થયેલાં મૃત્યુએ સમાજના દરેકને આઘાતમાં મૂકી દીધા છે. સમાજના મોટા ભાગના યુવકો પાસે બાઇક હોવાથી આ વિશે કંઈક કરવું અનિવાર્ય બની ગયું હતું. ગઈ કાલે બન્ને ભાઈઓની પ્રાર્થનાસભા યોજાઈ હતી એમાં અમે વાલીઓને પાંચ પાનાંનું પૅમ્ફ્લેટ આપ્યું હતું. પૅમ્ફ્લેટ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમનાં સંતાનોને રાતે ૧૧ વાગ્યા પછી બાઇક ચલાવવાની ના પાડી દે. જો કોઈ મહત્વનું કામ હોય તો ટૅક્સીનો ઉપયોગ કરવાનું રાખે. ત્યાર બાદ પૅમ્ફ્લેટ સમાજના દરેકના ઘરે પણ આપવામાં આવશે. એ ઉપરાંત સમાજના યુવકો પાસે સહી કરાવીને તેમની પાસે વચન લેવડાવવામાં આવ્યું હતું કે તેઓ રાતે ૧૧ વાગ્યા બાદ બાઇકનો ઉપયોગ નહીં કરે, ટ્રાફિકના દરેક નિયમનું પાલન કરશે તથા ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવ કદી પણ નહીં કરે. આ અકસ્માત બાદ યુવકો સામે ચાલીને એમાં સહભાગી બન્યા છે. બન્ને ભાઈઓની પ્રાર્થનાસભામાં સમાજમાં પહેલી વાર દરેકે મીણબત્તી સળગાવીને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. એ વિસ્તારમાં અનેક ઠેકાણે પોસ્ટર લગાડીને બન્ને ભાઈઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

એ ઉપરાંત અમે અમારી ઝુંબેશ માટે ટ્રાફિક-પોલીસની પણ મદદ લેવાના છીએ. અમે પોલીસને સમાજ દ્વારા આવેદનપત્ર આપવાના છીએ અને એમાં તેમને વિનંતી કરવાના છીએ કે તેઓ અમારા વિસ્તારના બે મુખ્ય ગેટ પર કડક નાકાબંધી કરીને યોગ્ય રીતે ઍક્શન લે. કારણ કે પોલીસ-કાર્યવાહીના ડરથી પણ યુવકો બેફામ બાઇક ચલાવવાનો પ્રયાસ નહીં કરે.

રેસ સામે ઝુંબેશ

યુવાનોના બાઈક અકસ્માત રોકવા હંસરાજ હેલિયાએ આગામી અભિયાન વિશે જણાવતાં કહ્યું હતું કે ‘નરીમાન પૉઇન્ટ કે બ્રીચ કૅન્ડી જેવા વિસ્તારોમાં રાતના સમયે મોટી સંખ્યામાં યુવકો ભેગા થાય છે અને સોનાની ચેઇન જેવાં મોટાં ઇનામો રાખીને બાઇક-રેસ યોજે છે. અમારા સમાજના ઘણા યુવકો રેસમાં જોડાય છે. જોકે એમાં પણ સમાજના બેએક યુવકોએ જીવ ગુમાવ્યા છે. અમે પોલીસમાં આ વિશે જાણ કરી હતી, પણ કોઈ પગલાં લેવામાં નહોતાં આવ્યાં એથી અમે આવી જીવલેણ રેસ બંધ થાય એ માટે પણ ટૂંક સમયમાં ઝુંબેશ ઉપાડવાના છીએ.’