સિનિયર સિટિઝન સાવધાન

09 January, 2021 08:12 AM IST  |  Mumbai | Mehul Jethva

સિનિયર સિટિઝન સાવધાન

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે રસ્તા પર કે ગાર્ડનમાં સિનિયર સિટિઝનોને લૂંટતી ટોળકીએ પણ કોરોનાને લીધે પોતાની સ્ટ્રૅટેજી બદલી નાખી હોય એવો એક કિસ્સો થાણેના  નૌપાડા પોલીસે નોંધ્યો છે.

કોરોના મહામારીને લીધે સિનિયર સિટિઝન્સ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળતા હોવાથી હવે લૂંટારાઓએ તેમના ઘરે જઈને તેમને લૂંટવાનું શરૂ કર્યું હોવાથી પોલીસે વરિષ્ઠ નાગરિકોને વધુ અલર્ટ રહેવા જણાવ્યું છે. થાણે પોલીસે બે એવા આરોપીઓની ધરપકડ કરી છે જેઓ એકલા રહેતા સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરતા હતા. તાજેતરમાં આ લોકો નૌપાડાની એક સોસાયટીમાં સુધરાઈના અધિકારીઓ બનીને ગયા હતા. ત્યાં રસીકરણના નામની નોંધણી કરાવવાના બહાને તેઓ આ વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસી ગયા હતા અને સોનાનાં ઘરેણાં તથા રોકડ રૂપિયા લૂંટીને ભાગી ગયા હતા.

નૌપાડાના પોલીસ-ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) રવિ ક્ષીરસાગરે આ કેસ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં આવેલી ગુરુનિવાસ સોસાયટીમાં રહેતાં જયશ્રી કુલકર્ણીને ત્યાં બે યુવકો ટીએમસી (થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન)માંથી રસીકરણ માટેની વિગત લેવાને બહાને ગયા હતા. કુલકર્ણી-દંપતીએ તો તેમને ભલા માણસ સમજીને ચા પણ પીવડાવી હતી, પણ ત્યાર બાદ આ લોકોએ ડરાવી-ધમકાવીને તેમની પાસેથી સોનાનું એક મંગળસૂત્ર અને ૧૦,૦૦૦ રૂપિયા લઈને ભાગી ગયા હતા. જોકે તપાસ કર્યા બાદ અમે ગણેશ કરાવડે અને સાઈનાથ ગાયકવાડની ધરપકડ કરી છે.’

થાણેમાં બનેલી આ પ્રકારની પહેલી ઘટના વિશે ઝોન-૧ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અવિનાશ અંબુરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવા લોકોથી સિનિયર સિટિઝનોએ અલર્ટ રહેવાની જરૂર છે, કારણ કે આ લોકો એકલા રહેતા લોકોને જ ટાર્ગેટ કરે છે. પૂરી ખાતરી કર્યા વગર કોઈને પણ ઘરમાં આવવા ન દેવા. હજી સુધી મહાનગરપાલિકા દ્વારા આવી કોઈ ઝુંબેશ શરૂ કરવામાં નથી આવી.’   

આ જ રીતે શહેરમાં કોરોના રસીકરણનું ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાના નામે પણ છેતરપિંડી થવાની શક્યતા હોવાથી મુંબઈ સાઇબર પોલીસનાં ડેપ્યુટી કમિશનર ડૉ. રશ્મિ કરંદીકરે પણ લોકોને અને એમાં પણ ખાસ કરીને સિનિયર સિટિઝનોને સાવચેત રહેવાની અને પોતાના કોઈ પણ ડૉક્યુમેન્ટ્સ કોઈની સાથે શૅર ન કરવાની સલાહ આપી છે.

mumbai mumbai news coronavirus covid19 Crime News mumbai crime news mumbai police mehul jethva