અભિનેત્રી ભાગ્યશ્રીના ઘરમાં ચોરી કરનારાઓ ઝડપાઈ ગયા

22 June, 2015 04:01 AM IST  | 

અભિનેત્રી ભાગ્યશ્રીના ઘરમાં ચોરી કરનારાઓ ઝડપાઈ ગયા




૨૦૧૪ની ૨૪ જાન્યુઆરીએ ઍક્ટ્રેસ ભાગ્યશ્રીનાં સાસુ-સસરાને ઊંઘની ગોળી  ખવડાવીને ૨૫ લાખ રૂપિયાની મતા ચોરી ગયેલા પાંચમાંથી ભાગી ગયેલા બે જણ ૨૫ વર્ષના સંજય જયસ્વાલ અને ૨૨ વર્ષના રાકેશ નિશાદની સાંતાક્રુઝ પોલીસે ધરપકડ કરી છે. સંજય અને રાકેશને જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પકડવામાં આવ્યા હતા. ચોરી કર્યા બાદ ઉત્તન ભાગી ગયેલા બે ભાઈંદરવાસી ૨૩ વર્ષનો રાજેશ ચવાણ અને ચંદન ઉર્ફે મંગલ રામાશ્રયને ઘટના બાદ થોડા વખતમાં જ પકડી પાડવામાં આવ્યા હતા.

ઘટનાના ૧૦ દિવસ પહેલાં ઘરનોકર સંજય ખોટું નામ (રિતેશ) આપીને નોકરી પર રહ્યો હતો. એ દિવસે સવારે ૯ વાગ્યે ભાગ્યશ્રીનાં ૭૨ વર્ષનાં સાસુ શકુંતલા દાસાની અને ૭૩ વર્ષના સસરા પન્નાલાલ દાસાનીને સંજયે ઊંઘની ગોળી ભેળવેલો નાસ્તો આપ્યો હતો અને તેઓ બેહોશ બન્યા બાદ સંજય અને તેના સાથીઓએ હાથ કી સફાઈ કરી હતી.

નાસી ગયેલા પાંચમા આરોપીની કર્ણાટકના વિજયપુરા પોલીસ-સ્ટેશને ૬૦ લાખ રૂપિયા સાથે ધરપકડ કરી હતી. સંજય અને રાકેશે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં હીરાના એક વેપારીના ઘરે આ જ રીતે નોકર બનીને ૫૭ લાખ રૂપિયાની મતા ચોરી હતી.

તેમણે એ જ રીતે તાડદેવ અને મરીનલાઇન્સ વિસ્તારમાં પણ ચોરીઓ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

શું હતી ઘટના?


૨૦૧૪ની ૨૪ જાન્યુઆરીએ સવારે ૯.૪૦ વાગ્યે ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાનીને તેની બહેન વનિતા સંઘવીએ ફોન કરીને જણાવ્યું કે ઘરે પેરન્ટ્સ ફોન ઉપાડતા નથી. થોડી વાર બાદ પાડોશીએ તેમના ઘરનો દરવાજો ખુલ્લો જોયો હોવાનું જણાવતો ફોન આવ્યો હતો. ત્યાર પછી હિમાલય ઘરે પહોંચ્યો ત્યારે તેમના પેરન્ટ્સ બેભાન અવસ્થામાં ઘરમાં પડ્યા હતા અને ઘરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું.