કાકા અને ભત્રીજા વચ્ચે ટ્વિટર-વૉર

25 November, 2019 12:10 PM IST  |  Mumbai

કાકા અને ભત્રીજા વચ્ચે ટ્વિટર-વૉર

અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખાતરી કરાવી હતી કે તે રાજ્યના લોકો માટે ખૂબ મહેનત કરશે. એનસીપીનાં સૂત્રોએ કહ્યું હતું કે આ એનસીપી ચીફના ભત્રીજાએ આમ કરીને સંકેત આપ્યો છે કે તે હવે બીજેપીનો સાથ છોડીને ફરી એનસીપીમાં નહીં આવે. તો બીજી તરફ શરદ પવારે કહ્યું હતું કે એનસીપી હવે માત્ર શિવસેના અને કૉન્ગ્રેસની સાથે જ છે.
અજિત પવારે પોતાનું ટ્વિટર હૅન્ડલ હવે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, મહારાષ્ટ્ર અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી લીડર કર્યું છે. શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ વડા પ્રધાન મોદીએ બન્નેને શુભેચ્છા આપી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ રાજ્યના વિકાસ માટે કામ કરશે.


શનિવારે નાયબ મુખ્ય પ્રધાનના શપથ લીધા બાદ વડા પ્રધાનના શુભેચ્છા સંદેશના જવાબમાં અજિત પવારે વડા પ્રધાનનો આભાર માનતું ટ્વીટ કર્યું હતું કે ‘આભાર માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી. અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે સ્થિર સરકાર ચલાવીશું અને મહારાષ્ટ્રની જનતા માટે કામ કરીશું.’
 અન્ય એક ટ્વીટમાં તેણે કહ્યું હતું કે હું રાષ્ટ્રવાદી છે. શરદ પવાર સાહેબ અમારા નેતા છે. બીજેપી અને રાષ્ટ્રવાદી મળીને આગામી પાંચ વર્ષ સ્થિર સરકાર આપશે.’

અજિત પવારે કુલ ૧૬ ટ્વીટ કર્યાં હતાં. જવાબમાં શરદ પવારે પણ ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘બીજેપી સાથે યુતિ કરવાનું કોઈ કારણ નથી. અજિત પવારનું વક્તવ્ય ખોટું અને લોકોમાં ભ્રાંતિ ફેલાવવા માટેનું છે.’
અગાઉ સવારના સમયે એનસીપીના નેતાઓ જયંત પાટીલ અને દિલીપ વળસે પાટીલે અજિત પવારને ફોન કરીને બીજેપી સાથે હાથ મિલાવવાના નિર્ણય બાબતે ફેરવિચાર કરવાનું કહ્યું હતું.

એનસીપીના વિધાનસભાના નેતા તરીકે અજિત પવારને હટાવવા ગેરકાયદેઃ બીજેપી

બીજેપીએ રવિવારે એનસીપીના વિધાનસભાના નેતા તરીકે અજિત પવારને હટાવવાના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે. પવારે બીજેપીનો સાથ આપતા તેમ જ તેમણે નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા બાદ એનસીપીએ તેમને વિધાનસભાના નેતાપદેથી હટાવ્યા હતા. બીજેપીએ એનસીપીના આ પગલાંનો વિરોધ કર્યો છે અને અજિત પવારને પક્ષના વિધાનસભાના નેતા તરીકે હટાવવાને ગેરકાયદે ગણાવ્યું છે. બીજેપીના નેતા આશિષ શેલ્લારે જણાવ્યું કે એનસીપીના વિધાનસભાના નેતા તરીકે અજિત પવારને હટાવીને જયંત પાટીલને નિયુક્ત કરાયા છે. જો કે એનસીપીની વિધાનસભ્યોની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયમાં તમામ ધારાસભ્યો હાજર નહોતા.
અજિત પવારે એનસીપીના વિધાનસભાના નેતા તરીકે રાજ્યપાલને સમર્થનનો પત્ર આપ્યો હતો. હવે એનસીપીએ પવારને વિધાનસભાના નેતાપદેથી હટાવીને પાટીલને નવા નેતા બનાવ્યા છે જે ગેરકાયદે છે તેમ શેલ્લારે જણાવ્યું હતું.

nationalist congress party ajit pawar sharad pawar devendra fadnavis