બંધ રહેતાં ઘર અને દુકાનમાં બાવીસ ચોરી કરનાર ત્રણ જણની ગૅન્ગ પકડાઈ

15 September, 2021 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાઇંદરમાં બિયરની બંધ દુકાનમાં હાથફેરો કર્યા બાદ પોલીસની તપાસમાં ટોળકી હાથ લાગી

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદરની એક બંધ વાઇન-શૉપમાંથી દારૂ સહિત ૩.૭૫ લાખ રૂપિયાની માલમતા ચોરાયાના બનાવમાં તપાસ કરી રહેલી નવઘર પોલીસને ત્રણ આરોપીની ટોળકી હાથ લાગી છે, જેમણે એક-બે નહીં પણ બાવીસ જેટલાં બંધ ઘર અને દુકાનમાં ચોરી કરી હોવાનું તપાસમાં જણાયું છે. પોલીસે નાલાસોપારા અને મીરા રોડ રહેતા ત્રણેય આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી દારૂની ૩૫ બૉટલ સહિતનો ચોરીનો માલ જપ્ત કર્યો છે.
નવઘર પોલીસે જણાવ્યા મુજબ ભાઈંદર-ઈસ્ટમાં નવઘર ફાટક રોડ પર સંદીપ ભાલેશ્વર સિંહ નામના વેપારીની વાઇન-શૉપ છે. બીજી સપ્ટેમ્બરે રાતે દુકાન બંધ કર્યા બાદ બીજા દિવસે સવારે વેપારી દુકાન ખોલવા આવ્યો ત્યારે દુકાનનું લૉક તૂટેલું હતું અને દુકાનમાં રાખેલી દારૂની બૉટલો સહિત કૅશ મળીને કુલ ૩,૭૫,૦૦૦ રૂપિયાની મતા ચોરાઈ હોવાનું ધ્યાનમાં આવતાં તેણે નવઘર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નવઘર પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ જોયા બાદ અને કેટલાક લોકોની પૂછપરછ પરથી નાલાસોપારાના તુલિંજમાં રહેતા ૪૦ વર્ષના પરશુરામ બલિરામ ચૌધરી નામના આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી મેળવેલી માહિતીના આધારે પોલીસે મીરા રોડમાં આરટીઓ નજીક રહેતા ૨૯ વર્ષના પ્રવીણ બચ્ચન ચાંદેલિયા અને મીરા રોડની જલાલુદ્દીન મસ્જિદ પાસે રહેતા ૪૦ વર્ષના સોનુ ઓમપ્રકાશ ઝંઝોત્રે નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી બિયર-શૉપમાંથી ચોરાયેલી મતા જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
નવઘરના સિનિયર ઇન્સ્પેક્ટર મિલિંદ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ પાસેથી દારૂની ૩૫ બૉટલ સાથે કૅશ પણ અમે જપ્ત કરી છે. તેમની પૂછપરછ પરથી જણાયું છે કે તેમની સામે મીરા રોડથી વિરાર સુધીનાં પોલીસ-સ્ટેશનોમાં બંધ રહેતી દુકાનો, ઑફિસો કે ઘરોમાં ચોરી કરવાના ૨૨ કેસ નોંધાયા છે. દિવસે તેઓ રેકી કરીને રાતે તાળાં તોડીને ચોરી કરતા હતા. આરોપીઓ ચોરીનો માલ પાણીના ભાવે વેચી દેતા હતા. તેમની પાસેથી ચોરીનો માલ ખરીદનારાઓની અમે માહિતી મેળવી રહ્યા છીએ.’

Mumbai mumbai news Crime News mumbai crime news bhayander