ક્રાઇમ શો જોઈને કર્યું ક્રાઇમ

16 November, 2011 09:50 AM IST  | 

ક્રાઇમ શો જોઈને કર્યું ક્રાઇમ



એક વર્ષ પહેલાં સુરતથી મુંબઈ આવેલા ૨૯ વર્ષના સૌરભ શાહે તેની નાણાકીય કટોકટી ટાળવા ટીવી પર આવતી સિરિયલમાંથી પ્રેરણા લઈને પચાસ લાખ રૂપિયાની ખંડણી માગી હતી, પણ આખરે તેને સિરિયલમાં જેમ અંતે ગુનેગાર લૉક-અપ ભેગા થાય છે એમ જ સૌરભ શાહે પણ પકડાઈ જતાં લૉક-અપ ભેગા થવું પડ્યું હતું.

ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ નડી

પચાસ લાખ રૂપિયાની ખંડણી માગી આખરે એક લાખનો હપ્તો લેવા આવેલા સૌરભ શાહના આ રસપ્રદ કિસ્સા વિશે માહિતી આપતાં કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અરુણ ભગતે કહ્યું હતું કે ‘એક વર્ષ પહેલાં સુરતથી આવેલો સૌરભ કાંદિવલીમાં રહેતો હતો અને એસ્ટેટની નાની-મોટી દલાલી કરતો હતો, પણ તેને ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ આવતાં તે મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. તે નિયમિત ટીવી પર આવતો ક્રાઇમ શો જોતો હતો અને આખરે તેણે ફટાફટ પૈસા બનાવવા એના પરથી ખંડણી ઉઘરાવવાની પ્રેરણા લીધી હતી. એ માટે તેણે તેના જાણીતા હોટેલનો બિઝનેસ તેમ જ એસ્ટેટ એજન્ટનું કામ કરતા કમલેશ દેસાઈને નિશાન બનાવ્યા હતા.’

દાઉદભાઈ કા આદમી

સૌરભે કઈ રીતે તેની ખંડણી માગવાની યોજના અમલમાં મૂકી એ વિશે જણાવતાં ઇન્સ્પેક્ટર અરુણ ભગતે કહ્યું હતું કે ‘કાંદિવલીમાં રહેતા ૫૩ વર્ષના કમલેશ દેસાઈને સૌરભ ઓળખતો હતો. કમલેશ દેસાઈએ ચાર-પાંચ મહિના પહેલાં તેની પાસે કોઈ જગ્યા માટે ઇન્ક્વાયરી કરી હતી. આથી તેમની પાસે પૈસા મળશે એમ ધારીને તેણે ૭ નવેમ્બરે કમલેશ દેસાઈને ખંડણી માટે ફોન કર્યો હતો. તેણે ફોનમાં ધમકી આપતાં કહ્યું હતું કે હું દાઉદભાઈ (દાઉદ ઇબા્રહિમ)નો માણસ સુલતાનભાઈ વાત કરું છું; પચાસ લાખ જોઈશે, પણ અમાઉન્ટ બહુ મોટી હોવાથી ટોકન તરીકે અત્યારે એક લાખ રૂપિયા આપ. જોકે આ ફોન આવતાં જ કમલેશ દેસાઈએ અમારો સંપર્ક કર્યો હતો. ૧૪ નવેમ્બરે ફરી ફોન આવ્યો હતો અને ગુલમોહર રોડની કાસ્ટા કૅફે પર તેમને બોલાવ્યા હતા. અમે ટ્રૅપ ગોઠવ્યું હતું અને સિવિલ ડ્રેસમાં અમારા ઑફિસરો ગોઠવાઈ ગયા હતા. સૌરભ શાહને અમે ત્યાર બાદ પકડી લીધો હતો. તેણે ગુનો કબૂલી લીધો હતો અને ખંડણી માટેની પ્રેરણા ક્રાઇમ શો જોઈને લીધી હોવાનું જણાવ્યું હતું.’