રોનિત રૉયે ઍક્સિડન્ટ કર્યો હોવાની જાણકારી પોલીસને હૉસ્પિટલમાંથી થઈ

29 October, 2011 09:08 PM IST  | 

રોનિત રૉયે ઍક્સિડન્ટ કર્યો હોવાની જાણકારી પોલીસને હૉસ્પિટલમાંથી થઈ

 

પોલીસે જ્યારે ઘાયલોનો સંપર્ક કર્યો ત્યારે ઍક્સિડન્ટ રોનિત રૉયે કર્યો હોવાનું કહેવામાં આવતાં અંબોલી પોલીસ-સ્ટેશનના ઑફિસરોએ તેના ઘરે જઈને તેની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેને અંધેરી ર્કોટમાં હાજર કર્યો હતો.


ગુરુવારે વહેલી સવારે અંધેરી (ઈસ્ટ)ના વીરા દેસાઈ રોડ પાસે આ ઍક્સિડન્ટ થયો હતો. આ વિશે વધુ માહિતી આપતાં અંબોલી પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘રોનિત રૉય તેની મર્સિડીઝ કારમાં કાંદિવલી જઈ રહ્યો હતો ત્યારે સવારે ૬.૪૫ વાગ્યે આ ઍક્સિડન્ટ થયો હતો. તેનું એમ કહેવું છે કે એક વૅગનઆર કાર લેફ્ટ સાઇડથી અચાનક રોડ પર આવી હતી અને તે કાર પર કન્ટ્રોલ ન કરી શકતાં તેની કાર વૅગનઆર સાથે અથડાઈ હતી. વૅગનઆરમાં બેસેલા ૬૦ વર્ષના દીપક દરેરા, તેમનાં ૫૬ વર્ષનાં વાઇફ કાન્તા, ૨૯ વર્ષની પુત્રી સ્નેહા અને ૨૪ વર્ષની પુત્રી માથેરાન જઈ રહ્યાં હતાં તે બધાં જ આ ઍક્સિડન્ટમાં ઘવાયાં હતાં. કાન્તા દરેરાને પીઠમાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે દીપક દરેરાને હાથમાં વાગ્યું છે. પૂજાને માથામાં ટાંકા આવ્યા છે અને સ્નેહાને બહુ જ મામૂલી ઈજાઓ થઈ છે. ઍક્સિડન્ટ થયા બાદ રોનિત ટૅક્સીમાં કાન્તા દરેરાને નજીકની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં સારવાર કરાવવા લઈ ગયો હતો. જ્યારે કે પૂજાને પહેલાં આ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પણ ત્યાર બાદ તેને અંધેરીની બીએસઈએસ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રોનિત રૉય કાન્તા દરેરાને દાખલ કરીને પછી ટૅક્સીમાં તેના ઘરે ચાલ્યો ગયો હતો.’


રોનિતની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ઍક્સિડન્ટ વખતે તે આલ્કોહોલની અસર હેઠળ હતો કે નહીં એ જાણવા તેની મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી. જોકે તેણે આલ્કોહોલ કન્ઝ્યુમ નહોતો કર્યો એવું બનાવના છ કલાક બાદ કરવામાં આવેલી આ ટેસ્ટમાં જણાઈ આવ્યું હતું. રોનિત રૉય પર બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેને અંધેરી ર્કોટમાં હાજર કરતાં ર્કોટે‍ તેને ૧૨,૦૦૦ રૂપિયાના જામીન પર મુક્ત કર્યો હતો.