તુષાર શેઠની આત્મહત્યાના કેસમાં પત્નીની થઈ ધરપકડ

20 August, 2012 05:12 AM IST  | 

તુષાર શેઠની આત્મહત્યાના કેસમાં પત્નીની થઈ ધરપકડ

ગોરાઈમાં રહેતા ૨૫ વર્ષના ગુજરાતી યુવક તુષાર શૈલેશ શેઠને આત્મહત્યા માટે મજબૂર કરવાના કેસમાં તેની પત્ની દિવ્યા ઝાખરિયાએ આખરે ગઈ કાલે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં આત્મસમર્પણ કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને હૉલિડે ર્કોટમાં રજૂ કરવામાં આવતાં ર્કોટે તેને ૨૫,૦૦૦ રૂપિયાના જામીન પર છોડી મૂકી હતી. દિવ્યાએ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે જેમાં એમ જણાવવામાં આવ્યું છે કે તુષાર તેને તેના ફોટોના આધારે બ્લૅકમેઇલ કરી રહ્યો હતો એટલે તે તેનાથી દૂર જવા માગતી હતી.

તુષારે ૨૦૦૮માં દિવ્યા સાથે બાંદરા કોર્ટમાં લવ-મૅરેજ કર્યા હતાં. આ વાત તુષારના ઘરે જ ખબર હતી, પણ ૨૦૦૯માં તુષારે આ વાત દિવ્યાના ઘરે કરી હતી. જોકે ૨૦૧૨ની ૧૧ જૂને દિવ્યાના પરિવારજનો તુષારના ઘરે દિવ્યાનાં બીજાં લગ્નની પત્રિકા લઈ તુષારને સમજાવવા આવ્યા હતા, જેનો આઘાત લાગતાં તુષારે ભાઈંદરની ખાડીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ૧૩ જૂને તુષાર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ૧૪ જૂને વાલિવ પોલીસને ભાઈંદરની ખાડીમાંથી એક લાવારિસ ડેડ બૉડી મળી આવી હતી. મૃતદેહ કોહવાઈ ગયો હોવાથી દફનાવી દેવામાં આવ્યો હતો. તપાસ કરતાં આ મૃતદેહ તુષારનો હોવાની માહિતી મળતાં તેનો મૃતદેહ જમીનમાંથી બહાર કાઢી તેના ઘરવાળાઓને સોંપવામાં આવ્યો હતો. મૃતદેહ મળતાં દિવ્યાનાં બીજાં લગ્ન રોકી દેવામાં આવ્યાં હતાં.

દિવ્યાએ તુષાર શેઠ દ્વારા આપવામાં આવતા ત્રાસ બાબતે થાણેના કાપૂરબાવડી પોલીસ-સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હોવાનું બોરીવલી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર અશોક ગજભીયેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું. તુષાર શેઠે દિવ્યાનું ફેસબુક-અકાઉન્ટ હૅક કરીને તેની બદનામી થાય એવી તસવીરો પણ મૂકી હોવાનું તેના નિવેદનમાં કહ્યું હતું.