05 July, 2026 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુળીંજ પોલીસ સ્ટેશનની બહાર અને અંદર ભરાઈ ગયેલાં પાણી.
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે ગઈ કાલે નાલાસોપારામાંથી વહીવટી તંત્રની ગંભીર બેદરકારી ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો હતો. નાલાસોપારા-ઈસ્ટની ઓસવાલ નગરીમાં આવેલું તુળીંજ પોલીસ-સ્ટેશન ગઈ કાલે સવારથી જ સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ આખું પોલીસ-સ્ટેશન કથિત રીતે એક મોટા નાળાને કવર કરીને (ઢાંકીને) એના પર ગેરકાયદે રીતે બનાવવામાં આવ્યું છે. પરિણામે ગઈ કાલે સવારથી જ નાળાનું ગંદું પાણી પોલીસ-સ્ટેશનની અંદર ઘૂસી ગયું હતું અને આખું પોલીસ-સ્ટેશન ડ્રેનેજના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ દૃશ્યો જોઈને સ્થાનિક નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સત્તાવાળાઓ જાગશે ત્યાં સુધીમાં આ
પોલીસ-સ્ટેશનની અંદર અને બહાર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાને કારણે ત્યાં ફરજ બજાવતા પોલીસ-અધિકારીઓ અને કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પૂરનાં પાણી પોલીસ-સ્ટેશનમાં પ્રવેશી જતાં પોલીસો ગુનાના મહત્ત્વના કેસપેપર્સ (દસ્તાવેજો), સ્ટેશન ડાયરી, કીમતી ઇલેક્ટ્રૉનિક સાધનો અને ફર્નિચરને બચાવવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા. તુળીંજ પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલો મુદ્દામાલ સુરક્ષિત રાખવો અને લૉકઅપમાં બંધ કરાયેલા આરોપીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ તેમના માટે એક મોટો પડકાર સાબિત થયો હતો. મુશ્કેલીના આ સમયે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક નાગરિકોની પણ મદદ લેવી પડી હતી.
બીજી તરફ ગઈ કાલે સવારથી પોતાની ફરિયાદો લઈને પોલીસ-સ્ટેશન આવતા સામાન્ય નાગરિકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ચારે તરફ ગંદું પાણી હોવાથી અરજદારો માટે અંદર જવું અશક્ય બની ગયું હતું, જેને લીધે પોલીસ-સ્ટેશનની રોજિંદી કામગીરી ખોરવાઈ ગઈ હતી. ગયા વર્ષે પણ ચોમાસા દરમ્યાન આ જ પોલીસ-સ્ટેશનમાં આવી જ રીતે પાણી ભરાઈ ગયાં હતાં. એમ છતાં પ્રશાસન દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કે પોલીસ-સ્ટેશનને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. કાયદો અને વ્યવસ્થા જાળવનારી પોલીસ પોતે જ પ્રશાસનની લાપરવાહીનો ભોગ બની રહી છે જે અત્યંત ચિંતાજનક બાબત છે.
વસઈની સ્કૂલમાં ફસાયેલા ૪૧ શિક્ષકોને ઉગારી લેવાયા: મધુબન ટાઉનશિપની ઠાકુર સ્કૂલમાં ફસાયા હતા
શનિવારના વરસાદને પગલે વસઈ-વિરાર પાણીમાં ગરકાવ થયું હતું ત્યારે વસઈ-ઈસ્ટમાં મધુબન ટાઉનશિપમાં આવેલી ઠાકુર સ્કૂલમાં પણ પાણી ભરાતાં શિક્ષકો ફસાઈ ગયા હતા. આ વાતની જાણકારી મળતાં પ્રશાસને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરીને ૪૧ શિક્ષકોને ઉગાર્યા હતા. આ વિશે માહિતી આપતાં વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)ના અધિકારીએ જણાવ્યું હતું કે ‘શિક્ષકો સ્કૂલમાં હતા ત્યારે પરિસરમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાણીનો પ્રવાહ પણ તીવ્ર હતો જેથી તેઓ બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ નહોતી. આ ઘટનાની માહિતી મળતાં રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું. બધા જ શિક્ષકોને ઉગાર્યા બાદ તેમને વસઈ રેલવે-સ્ટેશન પહોંચાડાયા હતા જ્યાંથી તેઓ પોતપોતાનાં ઘરે જવા રવાના થયા હતા.
વસઈમાં ૫૦ વર્ષનો માણસ નાળામાં વહી ગયો
વસઈ-ઈસ્ટના ભોઇદાપાડામાં વરસાદને કારણે નાળાનું પાણી અત્યંત વેગથી વહી રહ્યું હતું ત્યારે એની ઝપટમાં આવતાં ૫૦ વર્ષનો કિશોર લોખંડે એમાં વહી ગયો હતો. પ્રશાસને આપેલી માહિતી અનુસાર કિશોર લોખંડે તણાઈ જતાં તેનું મૃત્યુ થયું હોવાની શક્યતા છે. જોકે હજી સુધી તેનો પત્તો લાગ્યો નથી. તેને શોધવા માટે ફાયર-બ્રિગેડ સહિતનું તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.
મળેલી માહિતી અનુસાર આ ઘટના શનિવારે બપોરે ૩ વાગ્યે બની હતી. નાળાના પાણીમાં કિશોર લોખંડે ડૂબી રહ્યો હતો ત્યારે આસપાસ રહેલા લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાણીનો વેગ ખૂબ હોવાથી તેને બચાવી શકાયો નહોતો. કિશોરની પત્ની રમા લોખંડેએ જણાવ્યું હતું કે પ્રશાસન કિશોરને શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ હજી સુધી તેમને સફળતા મળી નથી.
વસઈ જળબંબાકાર
ભારે વરસાદને કારણે વસઈમાં અનેક જગ્યાએ રોડ પર પાણી ભરાઈ જવાથી વાહનો અટકી પડ્યાં હતાં.
વસઈમાં ભરાયેલાં પાણીમાંથી રેસ્ક્યુ વેહિકલ પણ ધીમે-ધીમે પસાર થતું જોવા મળ્યું હતું.
પાની મેં રેલ ચલી
વેસ્ટર્ન રેલવેમાં નાલાસોપારા સ્ટેશન પર ગઈ કાલે ભારે વરસાદને કારણે ટ્રૅક પર પાણી ભરાઈ ગયાં હતાં. જોકે એમ છતાં ટ્રેનો ધીમે-ધીમે એના પર પસાર થઈ રહી હતી. ટ્રૅક પર પાણી ભરાવાને કારણે ટ્રેનો પંદરથી ૨૦ મિનિટ લેટ દોડી રહી હોવાનું વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું.
ભેંસ પાની મેં, ગોવાળ દીવાલ પર
મુંબઈમાંથી ગાય-ભેંસના તબેલા હટાવીને વસઈ અને વિરારમાં લઈ જવામાં આવ્યા છે ત્યારે ગઈ કાલે ભારે વરસાદને પગલે વસઈના તબેલાઓમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. ભેંસોને છોડી મૂકવામાં આવી હતી; પણ એ ભેંસો તબેલાના પરિસરમાં જ પાણીમાં ફસાયેલી જોવા મળી હતી, જ્યારે એમનો કૅરટેકર દીવાલ પર ચડીને પોતાને સુરક્ષિત કરતો જોવા મળ્યો હતો.