મુંબઈમાં તાપમાને છેલ્લાં દસ વર્ષનો રેકૉર્ડ તોડ્યો

28 December, 2011 03:22 AM IST  | 

મુંબઈમાં તાપમાને છેલ્લાં દસ વર્ષનો રેકૉર્ડ તોડ્યો

 

 

એક દિવસમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈ કાલે કોલાબા વેધશાળામાં આ સીઝનનું સૌથી ઓછું તાપમાન તો નોંધાયું જ હતું અને સાથે-સાથે એણે છેલ્લાં દસ વર્ષનો પણ રેકૉર્ડ તોડ્યો હતો.

ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યે સાંતાક્રુઝમાં મિનિમમ તાપમાન ૧૬.૯ ડિગ્રી મિનિમમ અને કોલાબામાં ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું. સોમવારે કોલાબામાં ૧૯.૬ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૧૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એક જ દિવસમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ફરક જોવા મળ્યો હતો. રવિવારે સાંજે કોલાબામાં ૩૩.૨ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૫ ડિગ્રી મૅક્સિમમ તાપમાન નોંધાયું હતું, જ્યારે સોમવારે સાંતાક્રુઝમાં ૩૧.૫ ડિગ્રી અને કોલાબામાં ૨૯.૮ ડિગ્રી મૅક્સિમમ તાપમાન નોંધાયું હતું. બન્ને દિવસની સરખામણી કરીએ તો છ ડિગ્રીનો ફરક હતો. આના કારણે મુંબઈગરાઓને દિવસમાં જે ગરમીનો સામનો કરવો પડતો હતો એમાં થોડી રાહત મળી હતી.

નૉર્થના પવનોને કારણે મુંબઈમાં ઠંડી

નૉર્થ તરફથી વાતા પવનોને કારણે મુંબઈગરાઓને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કોલાબાના ઇન્ડિયન મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યું હતું કે ‘દેશના નૉર્થ રીજનમાં વેસ્ટર્નમાં થયેલા ડિસ્ટર્બન્સને કારણે અસર થઈ છે. આને કારણે નૉર્થ તરફથી શહેરમાં ઠંડા પવનો વાઈ રહ્યા છે. આગામી થોડા દિવસોમાં મિનિમમ તાપમાનમાં કોઈ ફરક નહીં થાય, પણ મૅક્સિમમ તાપમાનમાં ઘટાડો થાય એવી શક્યતા છે.’

ભેજના પ્રમાણમાં પણ ઘટાડો

દિવસના અને રાતના તાપમાનમાં બદલાવ આવી રહ્યો છે. મિનિમમ અને મૅક્સિમમ તાપમાનમાં ૧૯ ડિગ્રીની આસપાસનો ફરક આવી રહ્યો છે, જ્યારે હ્યુમિડિટી (ભેજનું પ્રમાણ)માં પણ ઘટાડો થયો છે. ગઈ કાલે સાંજના કોલાબામાં ૪૩ ટકા અને સાંતાક્રુઝમાં ૪૭ ટકા હ્યુમિડિટી નોંધાઈ હતી, જ્યારે સોમવારે સાંજે કોલાબામાં ૫૭ ટકા અને સાંતાક્રુઝમાં ૪૧ ટકા હ્યુમિડિટી નોંધાઈ હતી.