તૃપ્તિ દેસાઈએ હાજી અલીની દરગાહ પર ચાદર ચડાવી

29 August, 2016 05:31 AM IST  | 

તૃપ્તિ દેસાઈએ હાજી અલીની દરગાહ પર ચાદર ચડાવી



બૉમ્બે હાઈ કોર્ટે હાજી અલી દરગાહના મુખ્ય હિસ્સામાં મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો એના બે દિવસ પછી ભૂમાતા રણરાગિણી બ્રિગેડનાં વડાં તૃપ્તિ દેસાઈએ ગઈ કાલે દરગાહની મુલાકાત લઈને દરગાહ પર ચાદર ચડાવી હતી. તેમણે જાહેરાત કરી હતી કે હવે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રાર્થનાનો અધિકાર મળે એ માટે લડત ચલાવશે.

અચાનક દરગાહ ખાતે આવેલાં તૃપ્તિ દેસાઈએ કહ્યું હતું કે ‘છેલ્લી વખત હું હાજી અલી દરગાહે આવી ત્યારે અમારા પક્ષે હાઈ કોર્ટનો ઑર્ડર આવે એ માટે પ્રાર્થના કરી હતી. અમારી પ્રાર્થના બાબાએ સાંભળી અને પૂરી કરી હતી.’

હાજી અલી બાબાની દરગાહની બહાર પત્રકારો સાથે વાત કરતાં તૃપ્તિ દેસાઈએ જણાવ્યું હતું કે હું અહીં હાજી અલી બાબાના આર્શીવાદ લેવા અને ચાદર ચડાવવા આવી હતી.

તૃપ્તિ દેસાઈએ દરગાહના ટ્રસ્ટીઓને વિનંતી કરી હતી કે તેઓ હાઈ કોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ન જાય. તેમણે કહ્યું હતું કે ‘મને વિશ્વાસ છે કે જો તેઓ અપીલ કરશે તો સુપ્રીમ કોર્ટ પણ મહિલાઓની તરફેણમાં ચુકાદો આપશે. હું ટ્રસ્ટીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓ હાઈ કોર્ટેના આદેશને અનુસરે અને દેશની તમામ મહિલાઓની તરફેણમાં આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારે નહીં.’

ઍક્ટિવિસ્ટ તૃપ્તિ દેસાઈએ જણાવ્યું હતું કે ‘ટ્રસ્ટીઓ હાઈ કોર્ટના ચુકાદા પર ગંભીરતાથી વિચારે તો બાબાના દરવાજા તેમની મહિલાભક્તો માટે આગામી બે દિવસમાં ખોલી શકાય એમ છે. હું ટ્રસ્ટીઓને મળવા આવી હતી, પરંતુ રવિવારને કારણે કોઈ મળી શક્યું નહીં.’