ટ્રૉમ્બેમાંથી 60 લાખના હેરોઇન-ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી

03 July, 2020 11:18 AM IST  |  Mumbai | Mumbai correspondent

ટ્રૉમ્બેમાંથી 60 લાખના હેરોઇન-ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઘાટકોપર યુનિટે ગઈ કાલે ટ્રૉમ્બે વિસ્તારમાંથી ૬૦,૮૦,૦૦૦ લાખની કિંમતના નશીલા પદાર્થ હેરોઇન અને ગાંજા સાથે એક માણસની ધરપકડ કરી હતી. આરોપી નશીલા પદાર્થની હેરાફેરી કરતો હોવાની મળેલી બાતમી બાદ છટકું ગોઠવીને પોલીસે તેને ઝડપી લીધો હતો.

ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૪ સાથે સંકળાયેલા હેડ કૉન્સ્ટેબલ નાર્વેકરને બાતમી મળી હતી કે ટ્રૉમ્બેમાં આવેલા ચિત્તા કૅમ્પ વિસ્તારમાં રહેતો અલી નામનો એક માણસ નશીલા પદાર્થ હેરોઇન અને ગાંજાનું ગેરકાયદે વેચાણ કરે છે. માહિતીને આધારે પોલીસની ટીમે છટકું ગોઠવીને ચિત્તા કૅમ્પમાં રહેતા ૬૦ વર્ષના અલી મોહમ્મદ શફી આલમ શેખને તાબામાં લઈને તેની ચકાસણી કરી હતી. આરોપી પાસેથી ૬૦,૮૦,૦૦૦ લાખની કિંમતનું ૨૯૫ ગ્રામ હેરોઇન અને બે કિલો ગાંજો જપ્ત કર્યાં હતા. પોલીસની તપાસમાં આરોપી સામે પહેલાં પણ ટ્રૉમ્બે પોલીસ-સ્ટેશન અને ઘાટકોપર ક્રાઇમ બ્રાન્ચના ઍન્ટિ-નાર્કોટિક્સ યુનિટમાં કેસ નોંધાયેલા હોવાનું જણાઈ આવ્યું છે.

ઘાટકોપરની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૪ના ઇન્સ્પેક્ટર નિનાદ સાવંતના જણાવ્યા મુજબ આરોપી અલી શેખ સામે ટ્રૉમ્બે પોલીસ-સ્ટેશનમાં એનડીપીએસ ઍક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાયા બાદ કેસ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાયો છે. આરોપીએ પ્રતિબંધિત નશીલા પદાર્થ ક્યાંથી મેળવ્યા હતા અને તે કોને વેચવાનો હતો એની માહિતી મેળવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

mumbai Crime News mumbai crime news