બર્થ-ડેના બીજા જ દિવસે ડેથ ડે

01 November, 2020 08:19 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

બર્થ-ડેના બીજા જ દિવસે ડેથ ડે

ફાલ્ગુની પટેલ

પરિવાર અને મિત્રો સાથે શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યા સુધી પોતાના બર્થ-ડેની ઉજવણી કરનારી અંધેરીમાં આવેલા ચાંદીવલીની ૨૮ વર્ષની ફાલ્ગુની પટેલને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે શનિવારની સવાર તેની જિંદગીની અંતિમ સવાર હશે.

શનિવારે સવારે તે કઝિન તુલસી સાથે અંધેરી હાઇવે પર ભાવનગરથી આવી રહેલી બસમાંથી પાર્સલની ડિલિવરી લેવા ગઈ હતી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગુંદવલી બસ-સ્ટૉપ પાસે તેઓ સ્કૂટી પાર્ક કરીને બસ આવવાની રાહ જોઈ રહી હતી ત્યારે મુંબઈ મેટ્રોના કૉન્ટ્રૅક્ટર જે. કુમારની પુલર ટ્રકની ટ્રોલી અચાનક છૂટી પડી જતાં એનાં પૈડાં ફાલ્ગુની અને સ્કૂટી પર ફરી વળ્યાં હતાં. ફાલ્ગુનીનો માત્ર ચહેરો બચી ગયો હતો, જ્યારે આખું શરીર બહુ ખરાબ રીતે કચડાઈ જવાથી તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ફાલ્ગુનીના મૃતદેહને જોઈને લોકોના મોઢામાંથી અરેરાટી છૂટી ગઈ હતી, જ્યારે તેની પિતરાઈ બહેન તુલસી ધક્કાથી દૂર ફેંકાઈ જતાં બચી ગઈ હતી અને તેને માત્ર પગમાં મૂઢ માર વાગ્યો હતો. પુલર ટ્રકના ૪૦ વર્ષના ડ્રાઇવર વિનોદ યાદવે આગળ જઈને એક રિક્ષા અને એક ટૅક્સીને પણ અડેફેટમાં લેતાં રિક્ષા-ડ્રાઇવર અને ટૅક્સી-ડ્રાઇવર પણ ઘાયલ થયા હતા.

અકસ્માત બાદ ડ્રાઇવર વિનોદ યાદવ અને ક્લીનર ટ્રોલી અને પુલર ત્યાં જ છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. અંધેરી પોલીસે તેમની સામે ભારતીય દંડસંહિતાની કલમ (૩૦૪-એ ) બેદરકારીને કારણે મૃત્યુનો ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે. અંધેરી પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અનિલ ગાયકવાડ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.    

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ભાવનગર જિલ્લાના બરવાળાના કોળી પટેલ દિનેશભાઈ તેમના પરિવાર સાથે સાકીનાકા, ચાંદીવલીની શિવમ બિલ્ડિંગ પાસેની મનુભાઈ ચાલની ચાર નંબરની રૂમમાં રહે છે. તેમના મોટા ભાઈ કનૈયાલાલભાઈ અને અન્ય સંબંધીઓ નજીકમાં જ રહે છે. દિનેશભાઈના પરિવારમાં પત્ની, દીકરી ફાલ્ગુની અને પુત્ર કિસન છે.

આ ઘટના વિશે ફાલ્ગુનીના કાકા નરેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે ફાલ્ગુનીનો બર્થ-ડે હતો. ગુરુવારે રાતે ૧૨ વાગ્યે તેની ફ્રેન્ડ્સ તેના ઘરે ગઈ હતી અને બર્થ-ડે કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું. શુક્રવારે રાતે ૧૧ વાગ્યા સુધી મારો ૧૭ વર્ષનો દીકરો પણ તેના ઘરે તેની સાથે જ હતો. કોરોનાને કારણે બહુ મોટા પાયે તો નહીં, પણ ઘરના અને નજીકના ફ્રેન્ડ્સ અને કઝિન્સે તેનો બર્થ-ડે સાથે મળીને સેલિબ્રેટ કર્યો હતો. સવારે જ્યારે અમને જાણ કરાઈ કે ફાલ્ગુનીનો ઍક્સિડન્ટ થયો છે ત્યારે અમે દોડ્યા હતા, પણ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ચહેરાને છોડીને આખા શરીર પર ટ્રોલીનાં પૈડાં ફરી વળતાં તેનું આખું શરીર કચડાઈ ગયું હોવાથી જોઈ ન શકાય એવું હતું. ફાલ્ગુનીના નાના ભાઈ અને મારા દીકરાને પણ અમે એ દૃશ્યથી દૂર જ રાખ્યા હતા. મોડી સાંજે મરોલ મરોશી હિન્દુ સ્મશાનભૂમિમાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા.’

તપાસ કમિટી બનાવાઈ

ફાલ્ગુની પટેલના મૃત્યુની ઘટના બાબતે એમએમઆરડીએએ અકસ્માતનું કારણ જાણવા માટે ત્રણ સભ્યની તપાસ કમિટી બનાવીને બે દિવસમાં રિપોર્ટ આપવાનું કહ્યું હોવાનું ટ્વીટ કરાયું હતું. ટ્વીટમાં પુલર ટ્રકની ટ્રોલીને જોડતા જૉઇન્ટની પિન તૂટી જવાથી આ અકસ્માત થયો હોવાનું કહેવાયું છે. જોકે હવે એમએમઆરડીએ દ્વારા આ કેસની તપાસ માટે તેમના પ્રોજેક્ટ-ડિરેક્ટર પીઆરકે મૂર્તિના વડપણ હેઠળની કમિટી બે દિવસમાં અહેવાલ રજૂ કરશે ત્યારે હકીકતમાં શું બન્યું હતું એ જાણી શકાશે.

ફાલ્ગુની બીકેસીમાં એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતી હતી. દિનેશભાઈ નાનું-મોટું છૂટક કામ કરે છે અને પત્ની ગૃહિણી છે. ફાલ્ગુનીનો નાનો ભાઈ હમણાં જ ગ્રૅજ્યુએટ થયો છે અને નોકરી કરે છે. ઘરનું ગુજરાન ફાલ્ગુની જ ચલાવતી હતી. તે જવાથી હવે પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.

- નરેશ પટેલ, ફાલ્ગુની પટેલના કાકા

mumbai mumbai news andheri mumbai metro