યંગિસ્તાનને સલામ કરો

08 December, 2014 04:18 AM IST  | 

યંગિસ્તાનને સલામ કરો


સપના દેસાઈ

મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ મુંબઈનાં મહત્વનાં સ્થળોએ CCTV કૅમેરા બેસાડવાની સરકારની યોજના હજી પેપર પર છે ત્યારે મુલુંડમાં યુવકોના નવયુવા મંચ નામના ગ્રુપે વધતાજતા ચેઇન-સ્નૅચિંગ સહિત અનેક ગુનાઓ પર નજર રાખવા  સ્વખર્ચે મુલુંડનાં મહત્વનાં ૮ સ્થળોએ ૩૨ જેટલા CCTV કૅમેરા બેસાડ્યા છે અને બહુ જલદી હવે તેઓ આખા મુલુંડને CCTV કૅમેરાની નજર હેઠળ આવરી લેવાની યોજના બનાવી રહ્યા છે. તેમના આ કાર્યને મુંબઈ પોલીસના ઝોન-૭ના અધિકારીઓએ પણ ગઈ કાલે ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહીને પ્રોત્સાહન આપ્યું હતું.

મુલુંડમાં મહત્વનાં સ્થળોએ CCTV કૅમેરા બેસાડવાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગઈ કાલે બપોરે મુલુંડ (ઈસ્ટ)માં કૅમ્પસ હોટેલ પાસે આવેલા નાઇન્ટી ફીટ ચોકમાં મુંબઈ પોલીસના ઝોન-૭ના DCP ડૉ. વિજયકુમાર રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે યુવકોના આ કાર્યને વખાણ્યું હતું અને પોલીસને મદદરૂપ થવા માટે તેમને શાબાશી પણ આપી હતી. એ ઉપરાંત મુલુંડ (ઈસ્ટ)માં ૮ સ્થળોએ ૩૨ જેટલા CCTV કૅમેરા બેસાડવાને લીધે ગુનાખોરી પર નિયંત્રણ મેળવવામાં પોલીસને મદદ મળશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

નાગરિકોના જાનમાલની રક્ષા કરવાનાં બણગાં ફૂંકનારી અને છેલ્લાં ૬ વર્ષથી CCTV કૅમેરા બેસાડવાની ફ્ક્ત વાતો કરતી સરકારને પણ તેમની યોજના દ્વારા લપડાક લગાવનારા મુલુંડના યુવક-યુવતીઓના બનેલા નવયુવા મંચના ચૅરમૅન સૌરભ સાળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડ (ઈસ્ટ)નાં જે સ્થળોએ ચોરી અને ચેઇન-સ્નૅચિંગના ગુના બહુ થાય છે એવાં ૮ સ્થળોએ આવેલા ચોક પર અમે કૅમેરા બેસાડ્યા છે. દરેક ચોક પર ચાર રસ્તા હોય તો ચાર તથા પાંચ રસ્તા હોય તો પાંચ એ મુજબ કુલ ૩૨ CCTV કૅમેરા અમે બેસાડ્યા છે. મુલુંડ (ઈસ્ટ)નો ઑલમોસ્ટ આખો એરિયા અમે CCTVમાં કવર કર્યો છે અને હવે બહુ જલદી મુલુંડ (વેસ્ટ)ના વિસ્તારોમાં જ્યાં ગુનાખોરીનું પ્રમાણ વધારે છે એવાં સ્થળોએ CCTV કૅમેરા બેસાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.’

CCTV કૅમેરા બેસાડવાનો આઇડિયા કેવી રીતે આવ્યો એ બાબતે બોલતાં સૌરભે કહ્યું હતું કે ‘લગભગ દોઢેક વર્ષથી કંઈક કરવાનું અમારું પ્લાનિંગ ચાલી રહ્યું હતું ત્યારે મુલુંડ (ઈસ્ટ)માં ચેઇન-સ્નૅચિંગ, મંગળસૂત્ર ખેંચી જવાના, રસ્તે ચાલતા લોકોની આંખમાં ધૂળ ફેંકીને તેમને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એ દરમ્યાન મારી કાકીનું મંગળસૂત્ર ખેંચાઈ ગયું હતું એટલે અમે CCTV કૅમેરા બેસાડી આવી ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટે પોલીસને મદદરૂપ થવાનું નક્કી કર્યું હતું. એટલે અમારી યોજના આગળ વધારી અને પૈસાની વ્યવસ્થા થઈ એટલે પોલીસની પણ આ બાબતે જોઈતી મંજૂરી અને માર્ગદર્શન મેળવ્યાં હતાં અને બાદમાં પોલીસે મુલુંડ (ઈસ્ટ)માં જે સ્થળે વધુ ક્રાઇમના બનાવ વધારે બને છે એ સ્પૉટ અમને બતાવ્યા હતા એટલે એ સ્થળોએ આ CCTV કૅમેરા બેસાડવામાં આવ્યા.’

કૅમેરા કઈ રીતે કામ કરશે?

આ કૅમેરા હાઈ ડેફિનેશનના છે અને એની ક્લિયરિટી પણ બહુ સારી હશે.  કૅમેરામાં જો ચોર ભાગતો રેકૉર્ડ થયો હશે તો રેકૉર્ડિંગને ઝૂમ કરીને ચોરનો ફોટો અને ગાડીનો નંબર પણ જોઈ શકાશે. CCTVમાં  એક મહિનાનું રેકૉર્ડિંગ રહેશે એટલું જ નહીં, સૌથી મહત્વની વાત એટલે ઝોન-૭ના ખ્ઘ્ભ્, DCP અને મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તેમના મોબાઇલ પર કૅમેરાનાં લાઇવ ફુટેજ ચેક કરી શકશે અને એનો પૂરેપૂરો કન્ટ્રોલ તેમના હાથમાં રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે.

ક્યાં-ક્યાં કૅમેરા ગોઠવાયેલા છે?

મીઠાગર રોડ પર આવેલા શંકર બાપુજી સાળવી ચોક, તાતા કૉલોની જંક્શન, ગવ્હાણપાડામાં આવેલા પામ એકર્સ ચોક, સ્ટેશન રોડ પર રુબી હોટેલ જંક્શન, વાફેકર માર્ગ પર આવેલા ખંડોબામંદિર ચોક, નાઇન્ટી ફીટ રોડ, નીલમનગરમાં આનંદનગર પુલ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આનંદનગર પોલીસચોકી પાસે.