શાબાશી આપો આ બ્રેવ બૉયને

25 November, 2014 04:56 AM IST  | 

શાબાશી આપો આ બ્રેવ બૉયને



પ્રીતિ ખુમાણ ઠાકુર

સાઉથ મુંબઈના એક ગુજરાતી ટીનેજર સાથે ફિલ્મમાં જોવા મળે એવી એક ઘટના બની હતી. ચિંચપોકલીમાં આર્થર રોડ પર રહેતા મુકેશ ગોહિલનો દાદરની ઍન્ટોનિયો દ સિલ્વા હાઈ સ્કૂલમાં સિક્સ્થ સ્ટાન્ડર્ડમાં ભણતો પુત્ર ઓમ ગોહિલ દરરોજની જેમ ગયા સોમવારે બપોરે NM જોશી માર્ગ પર બકરી અડ્ડામાં આવેલા તેના ક્લાસમાં જઈ રહ્યો હતો. મંદિર આવતાં ઓમ બહારથી જ માથું નમાવીને પગે લાગ્યો હતો ત્યારે ત્યાં બેસેલા બાબાએ તેને પ્રસાદરૂપે એક લાડુ આપ્યો હતો. બ્રેવ બૉય ઓમે સંપૂર્ણ ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘પ્રસાદ ખાધા પછી મને અચાનક જ ચક્કર જેવું આવવા લાગ્યું હતું અને ત્યાર બાદ છેક ટ્રેનમાં હું કલ્યાણ પહોંચ્યો ત્યારે મને થોડું ભાન આવ્યું, પણ બધું ઝાંખું-ઝાંખું દેખાતું હતું. જોકે આ બાબાને મેં જોતાં મને ગરબડ લાગી અને મને ખબર પડી ગઈ કે તે મને ક્યાંક લઈ જઈ રહ્યા છે. એથી મેં વિન્ડોની બહાર નજર નાખી તો સામે તરફના પ્લૅટફૉર્મ પર કોઈ ટ્રેન આવી રહી હતી. એથી હું જે ટ્રેનમાં હતો એ ટ્રેન શરૂ થવાની જ હતી ને બાબાના હાથમાંથી નાસી છૂટીને સામેની ટ્રેન પકડી લીધી હતી. એ ટ્રેનમાં ચડ્યા બાદ મને ઘેન જેવું લાગતાં હું ફરી સૂઈ ગયો હતો અને હું સીધો પેણ સ્ટેશન પર પહોંચી ગયો હતો. સ્ટેશન પર ઊતરીને બે ભાઈઓ પ્લૅટફૉર્મ પાસે જમી રહ્યા હતા અને તેઓ સારા ઘરના લાગતાં હું ત્યાં જઈને રડવા લાગ્યો અને આખી વાત કરી હતી. ત્યાર બાદ તેઓ મને પેણમાં પોલીસ-સ્ટેશનમાં લઈ ગયા હતા. ત્યાંથી તેમણે મારા પપ્પાને ફોન કર્યો હતો.’

ઓમના પિતા મુકેશ ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઓમના ટયુશનમાંથી અમને ખબર પડી કે તે ત્યાં પહોંચ્યો જ નથી. એથી અમે બધા ચિંતામાં મુકાઈ ગયા હતા. ઓમ બધાનો લાડકો હોવાથી અમારી આખી સોસાયટીના લોકોએ બધી જ જગ્યાએ તપાસ કરી હતી. ઓમની મમ્મી અને આસપાસની મહિલાઓ તો રડતી-રડતી ઓમને શોધી રહી હતી. એવામાં અચાનક જ પેણથી પોલીસનો ફોન આવ્યો અને ઓમ ત્યાં છે એમ કહીને તેની સાથે વાત કરાવી હતી. એથી અમારા પાડોશમાં રહેતા હિંમત બારિયાની કારમાં હું અને બાજુમાં રહેતા બીજા ત્રણ પાડોશી ત્યાં પહોંચ્યા હતા. પોલીસે તમારો દીકરો તમને મળી ગયો છે એવું લખેલા એક કાગળ પર મારી સિગ્નેચર લીધી હતી, પણ કિડનૅપિંગનો કેસ નોંધ્યો નહોતો. જોકે મારા દીકરાની ચિંતામાં અમે પોલીસના લફરામાં પડ્યા નથી. મંગળવારે સવારે ચાર વાગ્યે અમે ઓમને લઈને ઘરે આવ્યા ત્યાર સુધી સોસાયટીના રહેવાસીઓ રાહ જોઈને બેઠા હતા.’મુકેશ ગોહિલ અને તેમના પરિવારજનો પોતાના દીકરા સાથે બનેલી આ ઘટનાને ધ્યાનમાં લઈને સોશ્યલ મીડિયા જેમ કે ફેસબુક, વૉટ્સઍપ પર બાળકો તેમ જ તેમના પેરન્ટ્સ સતર્ક રહે એવો મેસેજ સ્પ્રેડ કરીને અવરનેસ ફેલાવી રહ્યા છે.