મુંબઈમાં ટેક્ષીની સંખ્યામાં ધરખમ ઘટાડો

02 September, 2012 04:46 AM IST  | 

મુંબઈમાં ટેક્ષીની સંખ્યામાં ધરખમ ઘટાડો

અનેક મુંબઈગરાઓએ દરરોજ ટૅક્સી મેળવવા માટેની સમસ્યામાંથી પસાર થવું પડે છે અને ઘણી મુસીબત પછી તેમને ટૅક્સી મળે છે. આ સમસ્યાનું મૂળ કારણ છે ટૅક્સીઓની સંખ્યામાં થયેલો ભારે ઘટાડો. હાલમાં શહેરમાં ૨૦ લાખ પ્રવાસીઓ માટે માત્ર ૩૦,૦૦૦ ટૅક્સીઓ ઉપલબ્ધ છે. છેલ્લાં ૧૫ વર્ષમાં શહેરની વસ્તી અનેકગણી વધી છે, પણ ટૅક્સીની સંખ્યા અડધાથી પણ ઓછી થઈ ગઈ છે. આંકડાઓનો અભ્યાસ કરતાં ખબર પડે કે ૧૯૯૭માં રસ્તા પર દોડતી ૬૩,૦૦૦ ટૅક્સીઓની સરખામણીમાં હાલમાં રસ્તાઓ પર માત્ર ૩૦,૦૦૦ ટૅક્સીઓ જ દોડી રહી છે. આવી પરિસ્થિતિમાં ટૅક્સી મેળવવા લાંબો સમય રાહ જોવી પડે છે અને જો કોઈ ટૅક્સી-ડ્રાઇવર આવવાની ના પાડે તો લોકોને તરત ગુસ્સો આવી જાય છે.

આ મુદ્દે વાત કરતાં મુંબઈ ટૅક્સીમેન્સ યુનિયનના જનરલ સેક્રેટરી એ. એલ. ક્વૉડ્રોસે કહ્યું હતું કે ‘ટૅક્સીની ડિમાન્ડમાં વધારો થયો છે, પણ એની સંખ્યા ઘટી છે. આરટીઓએ ટૅક્સીની પરમિટો જ કૅન્સલ કરી છે. ૧૯૯૭થી અત્યાર સુધીમાં ૨૨,૦૦૦ જેટલી ટૅક્સીની પરમિટ કૅન્સલ કરવામાં આવી છે અને ઘણી રિન્યુ પણ નથી કરવામાં આવી. અલગ-અલગ કારણોસર આરટીઓ દ્વારા આ પરમિટ કૅન્સલ કરવામાં આવી છે. કેટલાક ડ્રાઇવરોએ તો પ્રાઇવેટ કૅબ કંપનીમાં નોકરી કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં દર વર્ષે ૧૫૦૦ ટૅક્સીની પરમિટ કૅન્સલ થાય છે.’

આરટીઓ = રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ