મહાવિતરણનાં સવા કરોડની કિંમતનાં ટ્રાન્સફૉર્મર્સની ચોરી

10 November, 2011 08:32 PM IST  | 

મહાવિતરણનાં સવા કરોડની કિંમતનાં ટ્રાન્સફૉર્મર્સની ચોરી



મુંબઈ-અમદાવાદ હાઇવે પરના વસઈ-નાલાસોપારાની હદમાં થોડા મહિનાથી ટ્રાન્સફૉર્મર્સની ચોરીની ઘટનામાં વધારો નોંધાયો છે. આ વિસ્તારના સી. ટી. ઇન્ડસ્ટ્રીઝ, એ. કે. ડેવલપર્સ તેમ જ મહાવિતરણની માલિકીના ૬૩૦ કિલોવૉટની ક્ષમતાનાં ટ્રાન્સફૉર્મર ચોરાઈ ગયાં છે. ચોરી મોટા ભાગે શનિ-રવિની રજા દરમ્યાન કરવામાં આવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પરોઢિયે ત્રણ-ચાર વાગ્યે મહાવિતરણના કર્મચારીઓના યુનિફૉર્મ જેવા પોશાકમાં આવી ચોર ટ્રાન્સફૉર્મર્સ ઉપાડી જાય છે. આ કામ કોઈ એકલદોકલ વ્યક્તિનું હોઈ શકે નહીં અને ટ્રાન્સફૉર્મર લઈ જવા પણ ટેમ્પો જવા વાહનની જરૂર પડે.

ટ્રાન્સફૉર્મર જેવી ચીજની ચોરીમાં વિદ્યુત લાઇનની જાણકાર વ્યક્તિનો હાથ હાઈ શકે એટલે આમાં મહાવિતરણનો કોઈ નિવૃત્ત કર્મચારી કે ઇલેક્ટ્રૉનિક્સ ચીજોની તલસ્પર્શી માહિતી ધરાવતી વ્યક્તિનું ભેજું હોઈ શકે. ૬૩૦ કેવીના ટ્રાન્સફૉર્મરનું ફિટિંગ કરવા માટે આઠસો કિલો લેમિનેશન, ત્રણસો કિલો તાંબાના તાર, સાતસો લિટર ઑઇલ મળી કુલ પાંચ લાખની કિંમતનો સામાન વપરાય છે. અત્યાર સુધીમાં પચીસેક ટ્રાન્સફૉર્મર્સ ચોરાયાં હોવાનું કહેવાય છે એટલે લગભગ સવા કરોડ રૂપિયાની ચીજો ભંગારવાડે વેચાઈ હોવાનો અંદાજ છે. આ વિશે નાલાસોપારા પોલીસસ્ટેશનમાં ૬૬૩-૧૧, ભારતીય દંડસંહિતાની ૫૫૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.