રિક્ષા-ડ્રાઇવરની દીકરીનાં બૅન્ક-ખાતાંઓમાં ૨.૬ કરોડ રૂપિયાના વ્યવહાર

28 February, 2026 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસનો સંપર્ક કરીને કહ્યું કે મારી પર્સનલ વિગતોનો દુરુપયોગ કરીને ગેેરકાયદે કામ કરવામાં આવ્યાં છે

પ્રતીકાત્મક તસવીર

ડોમ્બિવલીમાં એક ઑટોરિક્ષાચાલકની દીકરીએ પોલીસનો સંપર્ક કર્યો છે અને દાવો કર્યો છે કે તેના નામે ખોલવામાં આવેલાં બૅન્ક-અકાઉન્ટ્સમાં ૨.૬ કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહાર થયા છે.
કલ્યાણની એક કૉલેજમાં MScની વિદ્યાર્થિની નિધિ તિવારીએ પત્રકારોને જણાવ્યું હતું કે મોટા પાયે ગેરકાયદે વ્યવહારો કરવા માટે મારી અંગત વિગતોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેણે દાવો કર્યો હતો કે એ બાબત ઉત્તરાખંડમાં ઉદ્ભવતા કૌભાંડ સાથે જોડાયેલી હોઈ શકે છે.

રામનગર પોલીસ-સ્ટેશનમાં તેણે કરેલી ફરિયાદ મુજબ ‘એક પ્રાઇવેટ બૅન્કમાં નોકરી કરતી એક મિત્રએ ખાતું ખોલવામાં મદદ કરવાની ઑફર કરી હતી અને આ પ્રક્રિયા માટે મને થોડા રૂપિયા આપ્યા હતા. જોકે મારા બૅન્ક-ખાતાંનો ઉપયોગ પછીથી મારી જાણ બહાર વિવિધ ટ્રાન્ઝૅક્શન માટે કરવામાં આવ્યો હતો. જ્યારે મેં તપાસ કરી ત્યારે મને જાણવા મળ્યું કે મારા નામે વિવિધ બૅન્કોમાં અનેક અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યાં હતાં. એકલા એક ખાતામાં ૧૦ લાખ રૂપિયાથી વધુના વ્યવહાર થયા હતા અને કુલ રકમ ૨.૬ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. જ્યારે મેં પૈસાના ટ્રાન્ઝૅક્શન્સ વિશે મારી મિત્રને પૂછ્યું ત્યારે તેણે ઉડાઉ જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે કાંઈ થશે નહીં.’ 

નિધિએ કહ્યું હતું કે જ્યારે તેને ખબર પડી કે ઉત્તરાખંડમાં સાઇબર ગુનાઓની તપાસ કરતી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આમાંથી ઘણાં ખાતાંઓ ફ્લૅગ અને ફ્રીઝ કરવામાં આવ્યાં છે ત્યારે તેની શંકા વધી હતી. તેણે એવો આરોપ લગાવ્યો કે આવા વ્યવહાર માટે મારી ઓળખનો છેતરપિંડીથી ઉપયોગ કરવા પાછળ બદલાપુર અને ઉલ્હાસનગરના ત્રણ માણસો છે. 

નિધિએ કહ્યું હતું કે ‘હું ત્રણ મહિનાથી આ કેસનો સામનો કરી રહી છું. ઉત્તરાખંડના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને મારાં ખાતાંઓનો એના માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું મારી નિર્દોષતા સાબિત કરવા માટે સંપૂર્ણ તપાસ ઇચ્છું છું.’

રામનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગણેશ જુવાદવાડે નિધિની ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરીને કહ્યું હતું કે ‘અમને આ બાબતે યુવતી તરફથી અરજી મળી છે. આ ટ્રાન્ઝૅક્શન્સ,  અન્ય બાબતો ચકાસવા અને એમાં સામેલ લોકોની ઓળખ કરવા માટે હાલમાં તપાસ ચાલી રહી છે.’

mumbai news mumbai dombivli mumbai crime news Crime News mumbai police