ફેસબુક અને ઍરટેલને ભારે ઝટકો

09 February, 2016 04:09 AM IST  | 

ફેસબુક અને ઍરટેલને ભારે ઝટકો




ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI-ટ્રાઈ)એ નેટ ન્યુટ્રલિટીના પક્ષમાં ફેંસલો સંભળાવીને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકની ફ્રી બેઝિક્સ અને ઍરટેલની ઍરટેલ ઝીરો યોજનાને પણ ઝટકો આપ્યો છે.

ફેસબુકે ભારતમાં પોતાનું ફ્રી બેઝિક્સ ઘુસાડવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરી નાખ્યું, પરંતુ ટ્રાઇએ નેટ ન્યુટ્રલિટીને બરકરાર રાખતો નિર્ણય કર્યો છે.

ટ્રાઈએ ગઈ કાલે બહાર પાડેલા નિર્દેશોમાં જણાવ્યું હતું કે કોઈ પણ ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડર કોઈ પણ ઑફરના માધ્યમથી અલગ-અલગ સર્વિસિસ માટે લેવામાં આવેલા ટૅરિફ-પ્લાન્સની જાહેરાત નહીં કરી શકે.

આ સંદર્ભમાં ગઈ કાલે ટ્રાઈના ચૅરમૅન આર. એસ. શર્માએ જણાવ્યું હતું કે ‘જો કોઈ સર્વિસ પ્રોવાઇડર આ નિર્દેશનું ઉલ્લંઘન કરશે તો એના ટૅરિફ પ્લાન પરત લેવા માટે આદેશ આપવામાં આવશે અને નિર્દેશનો ઉલ્લંઘન કરવાની તારીખથી દરરોજના ૫૦,૦૦૦ રૂપિયાના દરે અધિકતમ ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ પણ કરવામાં આવશે. કટોકટી દરમ્યાન સર્વિસ પ્રોવાઇડર ઇચ્છે તો લોકહિતમાં ટૅરિફ પ્લાન્સ ઘટાડી શકે છે, પરંતુ સામાન્ય પરિસ્થિતિઓમાં ટૅરિફ સ્થાન, સ્ત્રોત અને ઍપ્લિકેશન પર આધાર નહીં રાખે.’

ફેસબુકે એની ફ્રી બેઝિક્સ યોજના લાગુ કરવા માટે ટ્રાઈ પર ઘણું દબાણ બનાવ્યું હતું અને પોતાની યોજનાના પક્ષમાં પિટિશન સાઇન કરવાનું અભિયાન પણ ચલાવ્યું હતું. જોકે હવે આ આદેશને પગલે ફેસબુકને ઘણી નિરાશા સાંપડી છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે એવો દાવો કર્યો હતો કે ફ્રી બેઝિક્સના માધ્યમથી તેઓ ગ્રામીણ ભારતને મફતમાં ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવા માગે છે.